500થી વધુ લોકોને 'સાયબર ગુલામ' બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ

| AI IMAGE |
Gujarat Cyber Cell : ગુજરાતના સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સે એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરતાં મોટી સફળતા મેળવી છે. સાયબર સેલે મ્યાનમારના કુખ્યાત 'KK પાર્ક'માં માફિયાઓ દ્વારા સંચાલિત સ્કેમ સેન્ટરોના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ કિંગપિન એક વિશાળ નેટવર્કનો વડો હતો, જે ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઇજીરીયા, ઈજીપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોમાંથી 500થી વધુ નાગરિકોની તસ્કરી માટે જવાબદાર હતો.
આ લોકોને મ્યાનમાર, કંબોડિયા, વિયેતનામ, થાઇલૅન્ડ અને દુબઈ જેવા દેશોમાં મોકલીને 'સાયબર સ્લેવરી' એટલે કે સાયબર ગુલામી કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. તેમની પાસે બળજબરીથી ઓનલાઇન ફ્રોડ અને કૌભાંડો કરાવવામાં આવતા હતા.
126 સબ-એજન્ટો અને પાકિસ્તાની કનેક્શન
સાયબર સેલની તપાસમાં એક અત્યંત સંગઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નેટવર્કનો ખુલાસો થયો છે, જે આ કિંગપિન દ્વારા ચલાવવામાં આવતું હતું. આ રેકેટને 126થી વધુ સબ-એજન્ટોનું સમર્થન હતું, જેઓ અલગ-અલગ દેશોમાંથી લોકોને ફસાવીને લાવતા હતા. કિંગપિન પોતે 30થી વધુ પાકિસ્તાની હેન્ડલરોના સતત સંપર્કમાં હતો. તે સાયબર-ફ્રોડ કેમ્પોમાં મેનપાવર સપ્લાય કરતી 100થી વધુ ચીની અને વિદેશી કંપનીઓના એચઆર નેટવર્ક સાથે પણ સીધો સંપર્ક ધરાવતો હતો.
ગુજરાત સાયબર સેલની આ કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા મોટા સાયબર ક્રાઇમ અને હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કની કમર તૂટી ગઈ છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે અને આ નેટવર્કમાં સામેલ અન્ય સાગરિતોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

