વડોદરા,પોલીસ તંત્રમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરતા એ.એસ.આઇ.એ આપઘાત કર્યાના ચાર દિવસ પહેલા પરિવારને કામનું ભારણ વધારે હોવાનું કહ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે, આપઘાતનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.
મળતી માહિતી મુજબ,તરસાલી અનુ સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષના કૃષ્ણકાંત શિવસિંહ સોરઠીયા પોલીસ હેડ ક્વાટર્સના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરતા હતા. તેઓને નિવૃત્તિના છ મહિના જ બાકી હતા. ત્યારે તેમણે ગઇકાલે બપોરે ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નહતી. પોલીસનું કેહવું છે કે, મૃતકના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે, કૃષ્ણકાંતભાઇ છેલ્લા પાંચ દિવસથી કહેતા હતા કે, કામનું ભારણ વધારે પડતું છે. જોકે, પોલીસે હજી તેમના પરિવારજનો અને સાથી કર્મચારીઓના નિવેદનો લીધા નથી. તેઓના વિગતવાર નિવેદનો પછી જ કારણ સ્પષ્ટ થઇ શકશે. આજે બપોરે પેનલ પી.એમ. પછી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.


