Gujarat

રાંદેસણમાં વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડી ગઠિયા ફરાર

By GS TEAM
4 Nov 20252 mins read
રાંદેસણમાં વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડી ગઠિયા ફરાર

ગાંધીનગરમાં ચેઇન સ્નેચરોનો વધતો તરખાટ

ચાલતા આવીને દોરો તોડી સાગરીત સાથે મોપેડ ઉપર ફરાર થઈ ગયોથ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચેઇન સ્નેચરો સક્રિય થયા છે ત્યારે રાંદેસણમાં સુકન સ્કાય વસાહતની બાજુમાંથી પસાર થઈ રહેલા વૃદ્ધાના ગળામાંથી ગઈકાલે સવારે ચાલતા આવેલો ગઠિયો સોનાનો દોરો તોડીને સાગરીત સાથે ફરાર થઈ ગયો હતો. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ અન્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે પોલીસને દોડાવવા માટે ચેઇનને સ્નેચરો પણ ફરીથી સક્રિય થયા છે. જે સંદર્ભે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા રાંદેસણમાં સુકન સ્કાય વસાહત પાસે ગઈકાલે કે વૃદ્ધા ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન એક ગઠીયો તેમની નજીક આવ્યો હતો અને તેમના ગળામાંથી સોનાનો દોરો તોડી લીધો હતો. જેના પગલે વૃદ્ધાએ બૂમાબૂમ કરી હતી અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જોકે આ ગઠીયો નજીકમાં જ ઉભેલા તેના સાગરીતના મોપેડ ઉપર બેસીને ત્યાંથી નાસી છૂટો હતો. વસાહતીઓએ તેનો પીછો કર્યો હતો પરંતુ આ ચેઇન સ્નેચરો હાથમાં આવ્યા ન હતા. તો સીસીટીવીમાં પણ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. જેથી આ સંદર્ભે ઇન્ફોસીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. જોકે હજુ સુધી આ મામલે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી પરંતુ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આ ચેઇન સ્નેચરોની શોધખોળ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગરમાં વધી રહેલી આ પ્રકારની પ્રવૃત્તિને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.