Gujarat

મોટી કુંડળ ગામના શખસની લીલા-સુકા ગાંજાના જથ્થા સાથે ધરપકડ

By GS Team
25 Dec 20191 min read
This article was originally published on 25 Dec 2019
મોટી કુંડળ ગામના શખસની લીલા-સુકા ગાંજાના જથ્થા સાથે ધરપકડ

ભાવનગર,25 ડીસેમ્બર 2019 બુધવાર

બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં યુવાધનને બરબાદીના પંથે ધકેલતા ગાંજાનું વાવેતર કરાયું હોવાનું પૂર્વ હકિકત આધારે બોટાદ ક્રાઇમ બ્રાંચ અને ગઢડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોટી કુંડળ ગામ સીમમાં આવેલ વાડીમાંથી મસમોટુ ગાંજાનું વાવેતર ઝડપી પાડી સુકો તેમજ લીલો ગાંજા સાથે વાડી માલિકની ધરપકડ કરી લીધી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગુજરાત રાજ્યમાં કેફી પદાર્થોની ગેરકાયદેસર થતી હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિ અટકાવવાની ઝુંબેશના ભાગરૂપે બોટાદ એસ.પી.ની સુચના તળે લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. રીઝવી, ગઢડા પો.સ્ટે.ના પી.એસ.આઇ. પ્રજાપતી સહિતનો પોલીસ સ્ટાફ ગઢડા પંથકમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ મોટી કુંડળ ગામે રહેતા છગન બાલાભાઇ ઝાપડીયાની ગામ સીમાડે આવેલ કબજા ભોગવટાની વાડીમાં ગાંજાનું વાવેતર કરાયું હોવાની મળેલી પૂર્વ બાતમી આધારે આજે સમીસાંજના અરસા દરમિયાન દરોડો પાડી તપાસ હાથ ધરતા અન્ય પાકની આડમાં કરાયેલ ગાંજાના છોડ મળી આવ્યા હતાં.

પોલીસ વાડીમાં વાવેતર કરાયેલ લીલો ગાંજો તેમજ સુકો ગાંજો મળી કુલ ૨૨.૮૬૦ કિ.ગ્રા. ગાંજો કબજે લઇ વાડી માલિક છગન બાલાભાઇ ઝાપડીયા (ઉ.વ.૫૫)ની ધરપકડ કરી લઇ તેના વિરૂધ્ધ ગઢડા પોલીસ મથકમાં સેકન્ડ ગુના નં.૩૬૦/૨૦૧૯ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આવતીકાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.