ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે પોલીસ સ્ટેશનમાં અરજી, 10 મૃતદેહો પરિવારજનોને સોંપાયા
Gambhira Bridge Tragedy : વડોદરામાં 9 જુલાઈ, 2025ના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પાદરા-જંબુસર વચ્ચે મહિસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને જવાબદારો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવા અંગે સામાજિક કાર્યકર દ્વારા પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. જ્યારે 10 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને સામાજિક કાર્યકર લખન દરબારે પાદરા પોલીસમાં અરજી કરીને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 'ગત ઑગસ્ટ 2022ના રોજ અધિકારીને બ્રિજ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ કોઈ પગલાં લેવાયા ન હતા. જેમાં અધિકારીઓની બેદરકારીને કારણે આજે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.'
આ પણ વાંચો: VIDEO: વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબક્યા, 14ના મોત
10 પાર્થીવ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
પાદરા ગંભીરા મુજપુર બ્રિજ પર બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 14 વ્યક્તિઓમાંથી અત્યાર સુધી 10 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. પાર્થીવ મૃતદેહોને સરકારી વાહન દ્વારા તેમના પરિવાર-સ્વજનના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે ઘટનાસ્થળે હજુ પણ રેસ્ક્યુની કામગીરી શરૂ છે. જેમાં બ્રિજ પરથી નદીમાં પડેલા તમામ વાહનો હજુ પણ નદીમાં જ ગરકાવ છે.