ગંભીરા બ્રિજની ક્ષતિઓ સમયસર ધ્યાનમાં ના લીધી, હવે મુખ્યમંત્રીના તપાસના આદેશ
Gambhira Bridge Collapse : મહીસાગર નદી પર આવેલો મુજપુર-ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતાં 9 જેટલા લોકોના મોત થયા છે. આ ઘટના પગલે મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું અને તપાસના આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે જોખમી બ્રિજને લઈને જાગૃત નાગરિકો દ્વારા અગાઉ રજૂઆત કરવા છતાં સરકાર કે તંત્ર જાગ્યું ન હતું, પરંતુ બ્રિજ તૂટી પડવાની ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ ઊંઘ ઉડી છે. ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીના આદેશ બાદ તંત્ર ઍલર્ટ થઈ ગયું છે.
બ્રિજ તૂટી પડવાના કારણો માટે તપાસ આદેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને દુર્ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કરવાની સાથે તપાસના આદેશ આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે 'આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. ઈજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી છે.'
આ પણ વાંચો: 'દુર્ઘટના માટે તૈયાર રહેજો'! ગંભીરા બ્રિજ મુદ્દે ત્રણ વર્ષ પહેલા જ એક જાગૃત નાગરિકે ચેતવણી આપી હતી
દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ બોટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત છે, તેમજ NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ છે. આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.
આ માટે ચીફ એન્જિનિયર-ડિઝાઇન તથા ચીફ ઇજનેર-સાઉથ ગુજરાત અને પુલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઇજનેરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે.