અનિરુદ્ધ સિંહ જાડેજાની માફી રદ; હાઈકોર્ટનો આત્મસમર્પણનો આદેશ: અમિત ખૂંટ કેસમાં પણ ઝટકો
Amit Khunt Case: રીબડાના અનિરૂદ્ધસિહં જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં હાઇકોર્ટે એક મહિનામાં જ હાજર થવા માટેનો હુકમ કર્યો છે. આ સિવાય કોર્ટે પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષકના હુકમને પણ ફગાવી દીધો છે અને અનિરૂદ્ધસિંહને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ મેઘરાજા હજુ નહીં ખમે! ગુજરાતભરમાં ઓગસ્ટના અંત સુધી ધોધમાર વરસાદનો રાઉન્ડ ચાલશે
તત્કાલિક ધારાસભ્યની કરી હતી હત્યા
નોંધનીય છે કે, ગોંડલની સંગ્રામ સિંહજી હાઇસ્કૂલમાં 15 ઓગસ્ટ, 1988ના દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં તત્કાલિન ધારાસભ્ય પોપટ સોરઠિયાને અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. આ કેસમાં ટાડા એક્ટ હેઠળ અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા સંભળાવાઈ હતી. જો કે, 2018માં તેને માફી આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં મૃતકના દીકરા હરેશ સોરઠિયાએ આ સજા માફી રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી. હવે હાઇકોર્ટે અનિરૂદ્ધસિંહની આ સજા માફી રદ કરી દીધી છે.
નોંધનીય છે કે, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે 19 ઓગસ્ટે અનિરૂદ્ધ સિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. આ પહેલાં કોર્ટે તેના દીકરા રાજદીપસિંહ જાડેજાની પણ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.