'અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવામાં અનિરુદ્ધસિંહ જ સૂત્રધાર', અન્ય આરોપીનો ખુલાસો; બંને જેલહવાલે
Amit Khunt Case: રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં પકડાયેલા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ જૂનાગઢ રહેતા અતાઉલ્લ મણીયારે પોલીસ સમક્ષ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, અમીત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવાનું કામ અનિરૂદ્ધસિંહ જાડેજાએ જ તેને સોંપ્યું હતું. આ સાથે જ અવાર-નવાર પોતાને આ કેસમાં ખોટી રીતે ફીટ કરી દેવાયાના અનિરૂદ્ધસિંહ જાડેજાના દાવા પોકળ સાબિત થયા છે.
આ પણ વાંચોઃ ગુજરાતનાં આ શહેરમાં યુવક-યુવતીને એક-બે કલાક માટે રૂમ ન આપવા હોટલ સંચાલકોને સૂચના
અમીત ખૂંટ કેસમાં આરોપીની મોટી કબૂલાત
સત્તાવાર રીતે પોલીસે અતાઉલ્લના ખુલાસા અંગે માહિતી આપવાનું ટાળ્યું છે. પરંતુ, આધારભૂત પોલીસ સૂત્રો પાસેથી જણાવવામાં આવ્યું છે કે, અતાઉલ્લે અમીત ખૂંટે આપઘાત કર્યો તેના ત્રણ મહિના પહેલા જ તેને હનીટ્રેપમાં ફસાવવા માટે અનિરૂદ્ધસિંહ જાડેજાએ કામ સોંપ્યાની કબૂલાત આપી દીધી છે. જેના ભાગરૂપે તેણે આ કામ તેના ડ્રાઇવર રહીમ મકરાણીને સોંપ્યું હતું, જેણે અમીત ખૂંટ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણીને તૈયાર કરી હતી. એટલું જ નહીં તેણે તે તરૂણીના સોશિયલ મીડિયાના પાસવર્ડ પણ મેળવી લીધા હતાં. જેના આધારે તેણે અમીત ખૂંટ સાથે ઈન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ ઉપર યુવતી બની ચેટ કરી હતી. આ રીતે અમીત ખૂંટને જાળમાં ફસાવ્યો હતો.
દુષ્કર્મની ફરિયાદ બાદ કર્યો આપઘાત
એટલું જ નહીં કાવતરા મુજબ તેના વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવડાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ ગભરાઈ ગયેલા અમીત ખૂંટે રીબડામાં આવેલી પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજાની સંડોવણીનો ખુલાસો
આધારભૂત પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અતાઉલ્લની આ કબૂલાતથી અનિરૂદ્ધસિંહ જાડેજા જ નહીં પરંતુ તેના દીકરા રાજદીપસિંહની પણ સંડોવણી ખૂલી રહી છે. જે હાલ આ કેસમાં વોન્ટેડ છે. તેનું કોઈ લોકેશન પોલીસને આજ સુધી મળ્યું નથી. આ અંગે દુબઈ હોવાની સંભાવના પોલીસે દર્શાવી છે. અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાના રિમાન્ડ પૂરા થતાં આજે તેને તપાસ કરતી ગોંડલ તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ જૂનાગઢ જેલ હવાલે કર્યો હતો. આ જ રીતે તેના મળતિયા અતાઉલ્લના પણ રિમાન્ડ પૂરા થતાં તેને પણ જૂનાગઢની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. બંને આરોપીઓ ઘણા સમયથી મિત્ર છે.
ગોંડલના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા ખૂન કેસમાં આજીવન કેદની સજા પામેલા અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગોંડલની કોર્ટમાં સરેન્ડર કરતાં તેને જૂનાગઢ જેલ હવાલે કરાયો હતો. જ્યાંથી ગોંડલ તાલુકા પોલીસે તેનો અમીત ખૂંટ આપઘાત કેસમાં ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવી ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હોવાથી ફરીથી ત્યાં મોકલી આપવામાં આવ્યા છે.