આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત, 9000 જેટલી ખાલી જગ્યા, જાણો લાયકાત અને કેટલો રહેશે પગાર
Anganwadi Recruitment 2025: ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની 9000 હજારથી વધારે જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે. આ તકથી રાજ્યની અનેક મહિલાઓ સ્વાવલંબી બનશે અને પોતાના ઘરઆંગણે જ રોજગારીની તક મળી રહેશે.
આ પણ વાંચો: ...તો શું રેસિંગને કારણે અમદાવાદના નહેરુનગરમાં બે લોકોનો ભોગ લેવાયો? CCTVના આધારે દાવો
ગુજરાત આંગણવાડી ભરતી 2025 હેઠળ આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની જગ્યાઓ પર કામ કરવા ઇચ્છુક મહિલાઓ આગામી તા. 30 ઑગસ્ટ 2025 સુધી e-HRMS વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય મહત્ત્વની તમામ માહિતી અહીં આપવામાં આવી છે.
આંગણવાડીની ભરતી 2025ની માહિતી
ગુજરાતમાં જાહેર કરવામાં આવેલી માનવબળની કુલ જગ્યાઓમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં 619, અમદાવાદ મહાનગરપાલિકામાં 568, બનાસકાંઠામાં 547, આણંદમાં 394 તેમજ મહેસાણામાં 393 જેટલી મહિલાઓની પસંદગી કરવામાં આવશે.
કેવી રીતે કરી શકશો અરજી
આ ભરતી માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા 8 ઑગસ્ટ, 2025થી શરુ કરવામાં આવી છે અને 30 ઑગસ્ટ, 2025ના રોજ રાત્રે 12:00 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ઉમેદવારોએ સરકારના e-HRMS પોર્ટલ, https://e-hrms.gujarat.gov.in, પર જઈને અરજી કરવાની રહેશે. આ ઉપરાંત આંગણવાડીમાં અરજી કરવા માટે ગ્રામીણ સ્તરે કામ કરતાં VCE મારફતે પણ ફોર્મ ભરી શકાશે.
ગુજરાત આંગણવાડી ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
આંગણવાડી કાર્યકર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા ધોરણ 10 પાસ કર્યા પછી AICTE માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો બે વર્ષનો કોર્સ કરેલો હોવો જરૂરી છે.
આંગણવાડી ભરતી 2025 માટે પગાર ધોરણ
- આંગણવાડી કાર્યકર માટે 10000 રૂપિયા
- આંગણવાડી હેલ્પર માટે 5500 રૂપિયા
ગુજરાત તેડાઘર ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
આંગણવાડી તેડાગર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ હોવું જરુરી છે. આ ઉપરાંત ઉમેદવારે માત્ર સફળતાપૂર્વક પૂર્ણ કરેલ ડિગ્રી અથવા કોર્સની વિગતો જ અરજી ફોર્મમાં ઉમેરવાની રહેશે.
ગુજરાત આંગણવાડી ભરતી 2025 માટે વય મર્યાદા
આ આંગણવાડી કાર્યકર અને તેડાગરની પોસ્ટ માટે અરજી કરનાર મહિલા ઉમેદવારની ઉંમર 18 વર્ષ પૂર્ણ કરેલી હોવી જોઈએ તેમજ 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પસંદગી પામેલા ઉમેદવારોની કામગીરી
આ આંગણવાડી કાર્યકર અને તેડાગરની પોસ્ટ પર પસંદગી પામેલી મહિલાઓએ સંકલિત બાળ વિકાસ સેવાઓની યોજના હેઠળ છ વર્ષથી નાના બાળકો, સર્ગભા બહેનો, ધાત્રી માતાઓ, તથા કિશોરીઓનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધારી ગુણવત્તાસભર બનવાનું સેવાકીય કામ કરવાનું છે.
આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ આરોગ્ય અને પોષણ સ્તર વધુ ઊંચું લાવવા માટે આ બહેનોની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થશે. તેમના દ્વારા લાભાર્થી જૂથોને પોષણ સહાય, માતા અને બાળકોની સંભાળ, અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય વિષયક સેવાઓ જેવી કામગીરી કરવામાં આવે છે.