...તો શું રેસિંગને કારણે અમદાવાદના નહેરુ નગરમાં બે લોકોનો ભોગ લેવાયો? CCTVના આધારે દાવો
Ahmedabad Accident: અમદાવાદમાં વધુ એક અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. નહેરુ નગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીની રાણીના પૂતળા પાસે બીઆરટીએસ કોરિડોર નજીક કાર અને ટુ વ્હીલર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ વ્હીલર પર સવાર બે યુવકોના દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મૃતકો જમાલપુરના રહેવાસી હતા. જ્યારે કારચાલક રોહન સોનીની અટકાયત કરી લેવામાં આવી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે આ ઘટના બાદ સામે આવેલા સીસીટીવી પરથી એવો દાવો કરાઈ રહ્યો છે કે, રોહન સોની અન્ય કાર સાથે રેસ લગાવી રહ્યો હતો જેના પરિણામે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જો કે પોલીસે આ મામલે પુષ્ટિ કરી નથી પરંતુ પુરાવા એકઠા કરીને તપાસ માટે મોકલી આપ્યા છે.
પોલીસે કારચાલકની અટકાયત કરી
મળતી માહિતી અનુસાર, નહેરુ નગરમાં ઝાંસીની રાણીના પૂતળા નજીક મોડી રાતે બીઆરટીએસ કોરિડોરમાં ટુ વ્હીલર અને કાર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં એટલો ભીષણ હતો કે, ટુ વ્હીલરનો કચ્ચરઘાણ વળી ગયો છે, કાર એટલી સ્પીડમાં હતી કે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલર બીઆરટીએસની રેલિંગમાં અથડાયું હતું. આ મામલે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને કારચાલકની પણ અટકાયત કરી છે, મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. પોલીસ તપાસમાં દાવો કરાયો હતો કે આ કાર પર પહેલાથી 6થી વધુ મેમો પેન્ડિંગ છે અને જેમાં બે તો ઓવર સ્પીડિંગના છે. એટલે કે તેનાથી આ કારચાલક રેસિંગમાં સંડોવાયેલો હોવાની આશંકાઓ વધુ ઘેરી બની છે.
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
પોલીસના જણાવ્યાનુસાર, લગભગ દોડ વાગ્યે ટુ વ્હીલર પર અકરમ અલ્તાફ ભાઈ કુરૈશી (22) અને અશફાક જાફરભાઈ અજમેરી (35) શિવરંજની તરફ જઈ રહ્યા હતા. ટુ વ્હીલર નંબર GJ01 PX 9355 જણાવાયું છે. જ્યારે સામેથી GJ27 સીરિઝ ધરાવતી બેફામ દોડતી કાર સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. બંને યુવકના મોત નિપજતાં હવે તેમના પરિવાર આભ તૂટી પડ્યાં જેવી સ્થિતિ સર્જાઈ છે.
કાર રેસિંગનો ભોગ બન્યા?
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એક બ્રેઝા કાર દ્વારા અકસ્માત સર્જાયો હતો. કાર માલિક નિશાબેન સોની છે જે મણિનગરના રહેવાસી છે. આ કારને તેમનો દીકરો રોહન સોની ચલાવી રહ્યો હતો. અકસ્માત સમયે તે કારમાં એકલો જ હતો. ઘટનાસ્થળના સીસીટીવી પરથી એવું લાગે છે કે કાર દુર્ઘટના સમયે રેસિંગમાં સંડોવાયેલી હતી. કેમ કે કેમરામાં એકથી વધુ કાર પૂરપાટ ઝડપે દોડતી દેખાઈ હતી. પોલીસ હવે આ એંગલથી પણ તપાસ કરી રહી છે. પોલીસની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમ પણ કારની સ્પીડને ચકાસવાનો પ્રયાસ કરી રહી છે. કારમાલિક અને કારચાલક બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ટ્રાફિક વેસ્ટ ડીસીપી નીતા દેસાઈએ કહ્યું કે અમે કારચાલક રોહનની અટકાયત કરી છે. આ મામલે હાલ પૂછપરછ ચાલી રહી છે.