નવા વર્ષની શરૂઆતે જ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં લિટરે રૂ.4 સુધીનો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amul Milk And Mother Dairy Milk Price Hike : દેશભરમાં સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગ પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. દૂધ ક્ષેત્રની બે સૌથી મોટી કંપનીઓ અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર બેથી ચાર રૂપિયા સુધીનો વધારો ઝીંક્યો છે. તહેવારોની મોસમમાં અગાઉ અમૂલે ઘી અને બટરના ભાવ વધાર્યા બાદ હવે દૈનિક વપરાશના તાજા દૂધના પાઉચના ભાવ વધારી દેતાં સામાન્ય પરિવારોનું માસિક રસોડા બજેટ ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
અમૂલ દૂધના ભાવમાં 4થી 5 ટકાનો વધારો, 12 નવેમ્બરથી નવો ભાવ અમલી
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા દેશભરમાં અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા તાજા દૂધના મુખ્ય વેરિયન્ટ્સમાં 12 નવેમ્બર 2026થી અંદાજે 4થી 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. કંપનીના સૌથી વધુ વેચાતા અમૂલ તાઝા (ટોન્ડ મિલ્ક)ના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કરાયો છે, જ્યારે અમૂલ ગોલ્ડ (6 ટકા ફેટ ધરાવતા દૂધ)ના ભાવમાં લિટર દીઠ રૂ.4નો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ તાઝામાં 3 ટકા ફેટ હોય છે.

પશુ આહાર મોંઘો થતાં પશુપાલકોના હિતમાં અમૂલનો નિર્ણય
અમૂલના જણાવ્યા અનુસાર, દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને લીલો-સૂકો ઘાસચારો, ખોળ, મકાઈ અને મોલાસિસ (શિરા) જેવા પશુ આહારના ઘટકો તેમજ પેકેજિંગ ફિલ્મ અને ઇંધણના ભાવ વધ્યા છે. આ ઉપરાંત ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં ઓછા અને અનિયમિત વરસાદને લીધે સર્જાયેલા સંજોગો વચ્ચે પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ વધારો અનિવાર્ય બન્યો છે. અમૂલ ગ્રાહકો પાસેથી મળતી આવકના 80 ટકા નાણાં 36 લાખ દૂધ ઉત્પાદકોને પરત આપે છે, જેથી આ ભાવવધારાનો મોટો હિસ્સો પશુપાલકો સુધી પહોંચશે.
મધર ડેરીએ પણ લિટરે રૂ.4 સુધીનો વધારો કર્યો
દિલ્હી-એનસીઆરમાં દૈનિક 35 લાખ લિટર અને દેશભરમાં 50 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ કરતી મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2થી રૂ.4 સુધીનો વધારો કર્યો છે. આ સુધારેલા દરો 11 નવેમ્બર 2026થી લાગુ કરી દેવાયા છે. ખેડૂતો પાસેથી દૂધની ખરીદી કિંમતમાં સતત વધારો થવાના કારણે આ બોજ ગ્રાહકો પર નાખવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે. મધર ડેરી પોતાની કુલ આવકનો 75થી 80 ટકા હિસ્સો દૂધ ઉત્પાદક ખેડૂતોને ચૂકવે છે.
મધર ડેરીના વિવિધ વેરિયન્ટ્સના નવા ભાવ જાહેર
નવા ભાવ વધારા અનુસાર, મધર ડેરીના ફૂલ ક્રીમ દૂધનો ભાવ પ્રતિ લિટર રૂ.72થી વધીને રૂ.76 થયો છે. કાઉ મિલ્ક રૂ.62થી વધીને રૂ.65 પ્રતિ લિટર થયું છે. આ ઉપરાંત ટોન્ડ મિલ્કના ભાવમાં લિટરે રૂ.2નો વધારો થતાં હવે તે રૂ.62 પ્રતિ લિટર મળશે, જ્યારે ડબલ ટોન્ડ દૂધની કિંમત રૂ.54થી વધારીને રૂ.56 પ્રતિ લિટર કરવામાં આવી છે. ટોન્ડ મિલ્કના અન્ય વેરિયન્ટનો ભાવ રૂ.58થી વધારીને રૂ.60 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.




