અમરેલીમાં હડકાયા શ્વાનનો આતંક: ખાંભાના ચકરાવા ગામે બાળકો અને મહિલાઓ સહિત 6 લોકોને બચકા ભર્યા

Amreli Stray Dog Attack: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચકરાવા ગામે આજે હડકાયા શ્વાનના આતંકને કારણે ભયનો માહોલ ફેલાયો છે. એક હડકાયા શ્વાને ગામમાં બાળકો અને મહિલાઓ સહિત 5 થી 6 જેટલા વ્યક્તિઓને બચકાં ભરતાં ગામલોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ચકરાવાપરાની શેરીમાં બનાવ
પ્રાપ્ત માહિતી અનુસાર, ચકરાવાપરા ગામની શેરીમાં આ બનાવ બન્યો હતો. શેરીમાં રમી રહેલા બે બાળકો અને કેટલીક મહિલાઓ સહિત કુલ પાંચથી છ જેટલા લોકોને આ હડકાયા શ્વાને એક પછી એક બચકાં ભર્યા હતા, જેના કારણે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત બનેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ગામમાં ભયનો માહોલ
આ ઘટના બાદ ચકરાવા ગામના સ્થાનિકોમાં ભારે ભય અને દહેશતનો માહોલ છે. ગ્રામજનો હવે આ હડકાયા શ્વાનને પકડી પાડવા માટે તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
આ હડકાયા શ્વાનને પકડવા અને લોકોને વધુ ઇજાગ્રસ્ત થતા અટકાવવા માટે વન વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી છે.

