VIDEO: બોડેલી-કવાંટ રોડની બિસ્માર હાલત: 20 ગામના લોકોએ કર્યો ચક્કાજામ, વાહનોની લાંબી કતારો લાગી

Bodeli-Chota Udepur State Highway Jam: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી-કવાંટ સ્ટેટ હાઇવેની દયનીય હાલતને લઈને આજે (14 નવેમ્બર) 20 જેટલા ગામોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બોડેલી તાલુકાના મગનપુરા બસ સ્ટેન્ડ પાસે 200 જેટલા ગ્રામજનોએ એકઠા થઈ ચક્કાજામ કરતા હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસર ચોકડીથી કવાંટ તરફનો આ રોડ લાંબા સમયથી મોટા ખાડાઓને કારણે અત્યંત બિસ્માર બની ગયો હોવાથી સ્થાનિકો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વારંવારની રજૂઆતો છતાં માર્ગનું સમારકામ ન થતા નારાજ ખેડૂતો સહિત ગ્રામજનોએ આજે સવારે રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.
આંદોલનને કારણે રોડની બંને બાજુએ અંદાજે 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના લીધે મુસાફરો અને વાહનચાલકો બાનમાં લેવાયા હતા. ટ્રાફિકની સ્થિતિ વણસતાં બોડેલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ બોડેલી આરએન્ડબી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે આંદોલનકારી ગ્રામજનોને રસ્તાનું તાત્કાલિક સમારકામ શરૂ કરવાની બાંહેધરી આપી હતી. તંત્રની ખાતરી બાદ આશરે એક સુધી કલાક ચાલેલો ચક્કાજામ આખરે સમેટાયો હતો અને મામલો થાળે પડ્યો હતો. પોલીસે ધીમે ધીમે ટ્રાફિક હળવો કરી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ અગાઉ શિહોદના ભારજ નદી પરનો પુલ તૂટી જવાથી ટ્રાફિકને મોડાસર ચોકડી પરથી આ માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આ વધારાના વાહનવ્યવહારના ભારણને કારણે માર્ગ વારંવાર બિસ્માર હાલતમાં મુકાય છે, જેના કારણે પ્રજામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

