Amreli Road Accident: અમરેલી જિલ્લાના ધારી-બગસરા હાઈવે પર આજે (30મી જાન્યુઆરી) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હામાપુર ગામ નજીક બાઈક અને મોપેડ સામસામે ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનના કચ્ચરઘાણ વળી ગયા હતા.
કેવી રીતે અકસ્માત સર્જાયો?
મળતી માહિતી અનુસાર, ધારી-બગસરા રોડ ઉપર હામાપુર નજીક પસાર થઈ રહેલા બાઈક અને મોપેડ વચ્ચે કોઈ કારણોસર સામસામે ટક્કર થઈ હતી. જેમાં પ્રવીણ વલ્લભદાસ અને દિનુ બ્લોચ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સરખેજ-ફતેવાડી રોડ પર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા; પત્નીનો પૂર્વ પતિ જ કાતિલ
ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્રણ લોકોની હાલત વધુ ગંભીર જણાતા તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા ધારી પોલીસનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


