Ahmedabad Sarkhej News : અમદાવાદના સરખેજ વિસ્તારમાં ધોળા દિવસે થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પત્નીના પૂર્વ પતિએ જ વર્તમાન પતિની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
ધોળા દિવસે હત્યાથી વિસ્તારમાં ફફડાટ
શુક્રવારે બપોરે સરખેજ-ફતેવાડી RCC રોડ પર આવેલા હમીદાનગર નજીક જડી ખાલાની કીટલી પાસે આ લોહીયાળ ઘટના બની હતી. 32 વર્ષીય આમિર મુકીમ શેખ પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે આમિરને શરીરના ભાગે અનેક ઘા ઝીંક્યા હતા, જેના કારણે તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને ટૂંક સમયમાં જ તેનું મોત નીપજ્યું હતું.
પત્નીના પૂર્વ પતિએ જ ખેલ્યો ખૂની ખેલ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ મૃતકની પત્નીના પૂર્વ પતિનો હાથ છે. આરોપીની ઓળખ 52 વર્ષીય જાફર જમની પઠાણ તરીકે થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, હત્યા પહેલા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ જાફરે ઉશ્કેરાઈને આમિર પર છરીથી હુમલો કર્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
અંગત અદાવત બની કારણ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આમિરની પત્ની અફસાના બાનું પઠાણનો પૂર્વ પતિ જાફર પઠાણ હોવાથી આ કિસ્સો અંગત અદાવત કે જૂની અદાવતનો હોવાનું જણાય છે. સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. એ. ગોહિલે જણાવ્યું હતું કે, "પ્રાથમિક દ્રષ્ટિએ આ પત્નીના પૂર્વ પતિ દ્વારા કરવામાં આવેલો હુમલો જણાય છે. અમે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે".
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ફોરેન્સિક ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. હાલમાં હત્યાનો ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને સાક્ષીઓના નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


