Gujarat

સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો

By GS TEAM
3 Aug 20252 mins read
TukuTouch Logo
રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. માંડરડી ગામના એક ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યા બાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો


Amreli News : રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. માંડરડી ગામના એક ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યા બાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સિંહણના મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ વન વિભાગ દ્વારા સિંહણનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું પુષ્ટિ આપવામાં આવી છે.

સિંહોના મોતને લઈ વન વિભાગ સક્રિય

અમરેલી જિલ્લામાં સિંહોના મૃત્યુની ઘટનાઓ વધતાં ધારી ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વન વિભાગ દ્વારા અગાઉના સિંહોના મૃત્યુ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સિંહોના મોતના મામલે ભાજપના ધારાસભ્યોએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી વન વિભાગની નિષ્ફળતા અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ઘટના બાદ વન વિભાગ વધુ સક્રિય બન્યું છે.


વર્ષ 2024માં સૌથી વધુ સિંહોના મોત

માર્ચ મહિનામાં વિધાનસભાનાં સત્રમાં વનમંત્રી દ્વારા સિંહોનાં મોતના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ વર્ષ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ સિંહોનાં મોત થયાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે સીડીવી તથા બેબેસીયા નામનો ગંભીર રોગ આવ્યો ત્યારે પણ 165 સિંહોનાં મોત થયા ન હતા પરંતુ છેલ્લા વર્ષમાં સિંહોના સૌથી વધુ મોતના આંકડાએ સરકાર અને વન વિભાગને ચોંકાવી દીધા હતા.

આ પણ વાંચો: સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

ખુલ્લા કૂવા અને વીજ કરંટ સૌથી વધુ જોખમી

ખુલ્લા કૂવામાં પડવાથી, વીજ કરંટ લાગવાથી, ટ્રેન અકસ્માતમાં, રોડ અકસ્માતમાં, બીમારી સબબ સિંહોના મોત થાય તો તેને અકુદરતી મોત ગણવામાં આવે છે. સૌથી વધુ અકુદરતીમાં વીજ કરંટ લાગવાથી તથા ખુલ્લા કૂવામાં પડી જવાથી સિંહો મોતને ભેટી રહ્યા છે. સિંહો સૌથી વધુ સલામત અને તેમની સતત વધતી વસ્તીનું સરકાર અને વન વિભાગ ગૌરવ લે છે પરંતુ સિંહો પર ખરા અર્થમાં અનેક સંકટ મંડરાયેલા છે જ.