અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા
Lion Deaths Controversy : અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના સતત થઈ રહેલા મોતના બનાવોને પગલે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વન વિભાગના અધિકારીઓની બેદરકારી અને નિષ્કાળજીને સિંહોના મોત માટે જવાબદાર ઠેરવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા બે માસમાં 'પાલીતાણા શેત્રુંજી ડિવિઝન' અને 'ધારી ગીર પૂર્વ ડિવિઝન'માં સિંહોના મૃત્યુનો આંકડો નોંધપાત્ર રીતે વધ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો કે જો સિંહોના મૃત્યુ વાયરસના કારણે થઈ રહ્યા હોય અને અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતી હોય, તો આ ઘટનાઓ શા માટે સમયસર ધ્યાનમાં આવતી નથી?
ધારાસભ્યએ સ્પષ્ટપણે કહ્યું કે, વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહબાળની જે તે સમયે તપાસ કરવામાં આવી હોત તો મૃત્યુના બનાવો અટકાવી શકાયા હોત. તેમના મતે, રેન્જના અધિકારીઓની ભૂલ, નિષ્કાળજી અને અણઆવડતના કારણે જ સિંહોના મૃત્યુના બનાવો બનતા હોવાનું ફલિત થાય છે.
આ પણ વાંચો: અમરેલી-જાફરાબાદમાં 3 સિંહબાળના શંકાસ્પદ મોત, વનમંત્રી અને DCFના વિરોધાભાસી નિવેદનો
પીવાના પાણી અને વાયરસ ફેલાવા અંગે પણ ચિંતા વ્યક્ત
ધારાસભ્યએ સિંહો માટે પીવાના પાણીની વ્યવસ્થાના અભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે સિંહો માટે પીવાના પાણીના પોઈન્ટ અગત્યના છે, પરંતુ તેની કોઈ યોગ્ય વ્યવસ્થા જોવા મળતી નથી. આ ઉપરાંત, તેમણે ચેતવણી આપી કે જો સિંહોમાં કોઈ વાયરસ ફેલાયેલો હોય તો વધુ મૃત્યુ અટકાવવા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવી જોઈએ.
દીપડાના હુમલામાં થયેલા મૃત્યુનો પણ ઉલ્લેખ
હીરા સોલંકીએ પત્રમાં દીપડાના હિંસક હુમલામાં થયેલા ત્રણ અપમૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ બનાવો પણ વન વિભાગની નિષ્કાળજીના કારણે બન્યા હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર મામલે વન વિભાગની નિષ્કાળજી અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે ધારાસભ્યએ લેખિતમાં રજૂઆત કરી છે અને વનમંત્રીનું ધ્યાન દોરી તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી છે. આ મામલો સિંહોના સંરક્ષણ અને વન્યજીવ વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઊભા કરે છે.
વર્ષ 2024માં સૌથી વધુ સિંહોના મોત
માર્ચ મહિનામાં વિધાનસભાનાં સત્રમાં વનમંત્રી દ્વારા સિંહોનાં મોતના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ વર્ષ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ સિંહોનાં મોત થયાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે સીડીવી તથા બેબેસીયા નામનો ગંભીર રોગ આવ્યો ત્યારે પણ 165 સિંહોનાં મોત થયા ન હતા પરંતુ છેલ્લા વર્ષમાં સિંહોના સૌથી વધુ મોતના આંકડાએ સરકાર અને વન વિભાગને ચોંકાવી દીધા હતા.
ખુલ્લા કૂવા અને વીજ કરંટ સૌથી વધુ જોખમી
ખુલ્લા કૂવામાં પડવાથી, વીજ કરંટ લાગવાથી, ટ્રેન અકસ્માતમાં, રોડ અકસ્માતમાં, બીમારી સબબ સિંહોના મોત થાય તો તેને અકુદરતી મોત ગણવામાં આવે છે. સૌથી વધુ અકુદરતીમાં વીજ કરંટ લાગવાથી તથા ખુલ્લા કૂવામાં પડી જવાથી સિંહો મોતને ભેટી રહ્યા છે. સિંહો સૌથી વધુ સલામત અને તેમની સતત વધતી વસ્તીનું સરકાર અને વન વિભાગ ગૌરવ લે છે પરંતુ સિંહો પર ખરા અર્થમાં અનેક સંકટ મંડરાયેલા છે જ.