સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
J V kakadiya Latter Bomb: અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહબાળ અને સિંહોના મોતના બનાવો બાદ વનવિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ભાજપના જ ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી વનવિભાગની નિષ્ફળતા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. આ અગાઉ ધારાસભ્ય હીરા સોલંકીએ પણ વનવિભાગ સામે પત્ર લખી રજૂઆત કરી હતી.
ધારાસભ્ય જે.વી. કાકડિયાનો લેટર બોમ્બ
ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનમંત્રીને લખેલા પત્રમાં છેલ્લા બે મહિનામાં ધારી ગીર પૂર્વ ડિવિઝન અને પાલીતાણા શેત્રુંજી ડિવિઝનમાં સિંહોના મૃત્યુના વધેલા બનાવો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે તાજેતરમાં મોટી સંખ્યામાં સિંહબાળના થયેલા મોતમાં કોઈ ગંભીર વાયરસ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરી છે.
પેટ્રોલિંગ છતાં સિંહોના મોત પર સવાલ
કાકડિયાએ પત્રમાં સવાલ ઉઠાવ્યો છે કે વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં સિંહોના મોત કયા કારણોસર થાય છે? તેમણે વનવિભાગની કામગીરી પર અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, 'વનવિભાગની હાલની કામગીરી અસંતોષજનક જણાય છે.'
માનવ મૃત્યુ અંગે પણ નિષ્કાળજીનો આરોપ
ધારાસભ્યએ અગાઉ દીપડાઓના હુમલાથી થયેલા માનવ મૃત્યુના બનાવો અંગે પણ વનવિભાગની નિષ્કાળજી ગણાવી હતી. તેમણે આ મુદ્દાને ગંભીર ગણાવ્યો છે અને વનવિભાગની કામગીરીમાં સુધારો લાવવાની માગ કરી છે. આ પત્ર બાદ વનવિભાગની કામગીરી વધુ એક વખત શંકાના દાયરામાં આવી ગઈ છે અને સરકાર પર આ મામલે સક્રિય પગલાં લેવાનું દબાણ વધી રહ્યું છે. આ સમગ્ર મામલો વન વિભાગની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓથી વન વિભાગની કામગીરી વધુ તેજ બની છે.