ગાંધીનગરની ટીમ સિંહોના મોતના મામલે જાફરાબાદ એનિમલ કેર સેન્ટર પહોંચી, ઉચ્ચ સ્તરીય તપાસનો ધમધમાટ
Amreli Lion Cubs Death Case : અમરેલી જિલ્લામાં એક પછી એક બાળ સિંહોના મૃત્યુ થતાં ચકચાર મચી જવા પામી છે. આ ગંભીર ઘટનાને પગલે રાજ્યભરમાંથી ઘેરા પ્રત્યાઘાતો પડતાં ગાંધીનગરથી વન વિભાગની એક ઉચ્ચ સ્તરીય ટીમ તાત્કાલિક ધોરણે તપાસ માટે અમરેલી પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) જયપાલસિંહની આગેવાનીમાં આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમની સાથે જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (CCF) રામરતન નાલા પણ તપાસમાં જોડાયા છે. આ ટીમ હાલ જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચી છે, જ્યાં બાળ સિંહોના મૃત્યુ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળ સિંહોના મોતનું કારણ એનિમિયા અને ન્યુમોનિયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, સ્થાનિક કક્ષાએ એવી વાતો વહેતી થઈ હતી કે વન વિભાગના સ્થાનિક અધિકારીઓ આ મૃત્યુ પાછળના સાચા કારણો છુપાવી રહ્યા છે. આ વાતને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધિકારીઓ ખુદ તપાસ માટે દોડી આવ્યા છે.
આ ઘટનાએ વન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. આ ઉચ્ચ સ્તરીય તપાસથી બાળ સિંહોના મોત પાછળનું સાચું કારણ બહાર આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવી અપેક્ષા છે. હાલ સમગ્ર વન વિભાગમાં ભારે ખળભળાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા
ભાજપના ધારાસભ્યોએ પત્ર લખી વનવિભાગની કામગીરી સામે સવાલો કર્યા
અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહબાળ અને સિંહોના મોતના બનાવો બાદ વનવિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ભાજપના જ ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી વનવિભાગની નિષ્ફળતા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. આ અગાઉ ધારાસભ્ય હીરા સોલંકીએ પણ વનવિભાગ સામે પત્ર લખી રજૂઆત કરી હતી.
સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો
રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. માંડરડી ગામના એક ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યા બાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સિંહણના મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ વન વિભાગ દ્વારા સિંહણનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું પુષ્ટિ આપવામાં આવી છે.
આ પણ વાંચો: સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
વર્ષ 2024માં સૌથી વધુ સિંહોના મોત
માર્ચ મહિનામાં વિધાનસભાનાં સત્રમાં વનમંત્રી દ્વારા સિંહોનાં મોતના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ વર્ષ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ સિંહોનાં મોત થયાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે સીડીવી તથા બેબેસીયા નામનો ગંભીર રોગ આવ્યો ત્યારે પણ 165 સિંહોનાં મોત થયા ન હતા પરંતુ છેલ્લા વર્ષમાં સિંહોના સૌથી વધુ મોતના આંકડાએ સરકાર અને વન વિભાગને ચોંકાવી દીધા હતા.
ખુલ્લા કૂવા અને વીજ કરંટ સૌથી વધુ જોખમી
ખુલ્લા કૂવામાં પડવાથી, વીજ કરંટ લાગવાથી, ટ્રેન અકસ્માતમાં, રોડ અકસ્માતમાં, બીમારી સબબ સિંહોના મોત થાય તો તેને અકુદરતી મોત ગણવામાં આવે છે. સૌથી વધુ અકુદરતીમાં વીજ કરંટ લાગવાથી તથા ખુલ્લા કૂવામાં પડી જવાથી સિંહો મોતને ભેટી રહ્યા છે. સિંહો સૌથી વધુ સલામત અને તેમની સતત વધતી વસ્તીનું સરકાર અને વન વિભાગ ગૌરવ લે છે પરંતુ સિંહો પર ખરા અર્થમાં અનેક સંકટ મંડરાયેલા છે જ.