કચરો ફેંકવા મામલે અમરેલીના લાઠીમાં જૂથ અથડામણ, તીક્ષ્ણ હથિયારો વડે હુમલો, 10 ઈજાગ્રસ્ત
Amreli Crime: ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. અમરેલીમાં પણ ફરી એકવાર આવા અસામાજિક તત્ત્વોનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં લાઠી તાલુકાના પીપળાવ ગામે સામાન્ય કચરો ફેંકવાની બાબતે વિવાદ થતાં બે જૂથો દ્વારા ધારીયા અને કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાંથી પકડાયેલા 210 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરાશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
શું હતી ઘટના?
અમરેલીમાં લાઠીના પીપળવા ગામે સામાન્ય કચરો ફેંકવા બાબતે વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ વકરતાં બંને બાજુથી લોકો ભેગા થઈ ગયા અને અચાનક તેણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નજીવી બાબતમાં શરૂ થયેલાં ઝઘડામાં બંને પક્ષના લોકો લાકડી, ધારીયા અને કુહાડી જેવા હથિયારો લઈને આવ્યા અને એકબીજા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. જેમાં 10 થી વધુ લોકોને ઈજા થતાં તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ સુરત-તાપીના પશુપાલકોને સુમુલે આપી ખુશખબર, દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની કરી જાહેરાત
બે જૂથો વચ્ચે મારામારીએ લીધું હિંસક સ્વરૂપ
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, પોલીસે હથિયારો લઈને આતંક મચાવનારાઓ સામે પૂછપરછ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોના નિવેદનો નોંધવામાં આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ, કોળી સમાજા બે જૂથો વચ્ચેની મારામારી બાદ તમામ ઈજાગ્રસ્તોને મળવા માટે સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા હતાં. પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવતા પોલીસે લોકોને સમજાવી સ્થિતિ કાબૂમાં લીધી હતી.