સુરત-તાપીના પશુપાલકોને સુમુલે આપી ખુશખબર, દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની કરી જાહેરાત
Sumul Dairy : ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ભાવફેર અને બોનસ આપવાને લઈને થોડા દિવસ પહેલા સુમુલ ડેરીએ કિલોગ્રામ ફેટ દીઠ 120 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી હતી. જ્યારે સુમુલ ડેરી દ્વારા ફરીથી મોટી જાહેરાત કરી છે. જેમાં સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે દૂધના ભાવમાં કિલોગ્રામ ફેટે 20 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે.
સુરત-તાપીના પશુપાલકોને સુમુલે આપી ખુશખબર
મળતી માહિતી મુજબ, સુરત-તાપીના પશુપાલકોને સુમુલે ખુશખબર આપી છે, ત્યારે સુમુલ ડેરીના ચેરમેને પશુપાલકો માટે દૂધના ભાવમાં કિલોગ્રામ ફેટે રૂ.20નો વધારો જાહેર કર્યો છે. જેમાં ભેંસના દૂધના ભાવ કિલોગ્રામ ફેટે રૂ.850 માંથી રૂ.870 થયા છે. જ્યારે ગાયના દૂધના કિલોગ્રામ ફેટે રૂ.810 માંથી રૂ.830 ભાવ કરાયો છે.
સુમુલ ડેરીના ચેરમેને જણાવ્યું હતું કે, 'દૂધના ભાવમાં 20 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે, ત્યારે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો ફાયદો થશે. સુમુલ ડેરી સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે આગળ વધી રહી છે.'
દૂધના કિલોગ્રામ ફેટે રૂ.120 બોનસ ચૂકવાશે
સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, 'ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આમ ખેડૂતોને અને પશુપાલકોને ધ્યાનમાં રાખીને દૂધના ભાવફેર અને બોનસની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને કિલોગ્રામ ફેટ લેખે રૂ. 120 બોનસ અપાશે. જ્યારે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખથી વધુ ખેડૂતો માટે ભાવફેર અને બોનસ પેટે 400 કરોડ રૂપિયા ચૂકવાશે.'