Get The App

AMCના મોટા નિર્ણયો: સિંધુભવન, પ્રહલાદનગર અને દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ ખુલ્લા મૂકાશે, જગન્નાથ મંદિર નજીક દબાણો હટાવાશે

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
AMCના મોટા નિર્ણયો: સિંધુભવન, પ્રહલાદનગર અને દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ ખુલ્લા મૂકાશે, જગન્નાથ મંદિર નજીક દબાણો હટાવાશે 1 - image


Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીનું આયોજન આ વખતે 16 જાન્યુઆરી 2026ને શુક્રવારે થયું હતું. જેમાં શહેરનાં વિકાસ અંગેનાં મહત્ત્વના નિર્ણયોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેને મીડિયા સાથે આ ખાસ મુદ્દાઓની વાતચીત કરી હતી. 

સિંધુભવન, પ્રહલાદનગર અને દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ ખુલ્લા મૂકાશે

પાર્કિંગની સમસ્યા વિશે ચેરમેને જણાવ્યું કે, પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ લાવવા સિંધુભવન મલ્ટી લેવલ પાર્કિંગ, પ્રહલાદ નગર મલ્ટી લેવલ પાર્કિંગ તેમજ દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ વગેરેને જાહેર જનતા માટે ખુલ્લા મૂક્યાં છે. ટૂંક સમયમાં મધ્ય ઝોનમાં દાણાપીઠ પાર્કિંગ પણ ખૂલ્લો મૂકવામાં આવશે. પરિણામે ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. 

તદ્દઉપરાંત મહાનગરપાલિકા દ્વારા અપાયેલાં પાર્કિંગ પ્લોટ 60 જેટલાં છે જેને વધારીને બીજા 20 જેટલા પાર્કિંગ પ્લોટ માટેનાં પ્લોટને આઇડેન્ટિફાઇ કર્યા છે. પરંતુ કેટલીક જગ્યાએ કોમર્શિયલ એકમોમાં અંદર જગ્યા હોવા છતા બહારનાં વાહનોને અંદર આવવા દેવામાં આવતા નથી. જે માટે મહાનગરપાલિકા દ્વારા આ કોમર્શિયલ યુનિટ સામે અંદરની બાજુએ પાર્કિંગ ન કરવા દેવા બદલ એક્શન લેવામાં આવશે. જેથી રોડ પર આ વાહનો ગમે તેમ પાર્ક કરેલા રહે નહી અને સુરક્ષિત જગ્યાએ વાહનોનું પાર્કિંગ થાય. 

આ પણ વાંચો: ગણતંત્ર દિવસ 2026: અમદાવાદની NIDએ રાષ્ટ્રપતિ ભવનના મહેમાનો માટે તૈયાર કર્યા ખાસ કાર્ડ, 350 કલાકારોની અજોડ હસ્તકલા

વસ્ત્રાલથી રામોલ ટોલનાકા સુધી 4.1 કિ.મી. નવી ડ્રેનેજ લાઇન નંખાશે

વધુમાં ચેરમેને જણાવ્યું કે, અમદાવાદમાં પૂર્વઝોનમાં ડ્રેનેજની લાઈનો હાલમાં નખાઈ રહી છે અને એમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી માઈક્રો ટનેલિંગ પદ્ધતિ એશિયામાં સૌપ્રથમવાર અમદાવાદ મહાનગરપાલિકાની અંદર શરૂ કરવામાં આવી છે. હાલમાં જ 27 કિલોમીટરની વેસ્ટર્ન ટ્રંક લાઈન ખુલ્લી મૂકવામાં આવી, જેથી પશ્ચિમ ઝોનનાં અનેક પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. એવી જ રીતે પૂર્વ પટ્ટાની અંદર પણ વસ્ત્રાલથી શરૂ કરી રામોલ ટોલનાકા સુધી 4.1 કિલોમીટર સુધી ટ્રાફિકને કોઈપણ જાતનું ડિસ્ટરબન્સ ન થાય તે ધ્યાનમાં રાખીને 1200મી. ડાયાની આ લાઈન નાખવામાં આવશે. પૂર્વમાં આ રીતે ડ્રેનેજ લાઈન નાખવાને પરિણામે વસ્ત્રાલ અને રામોલ આ બધા જ વિસ્તારમાં બેટિંગના જે પ્રશ્નો આવતા હતા એ પ્રશ્નો સોલ્વ થશે અને 3થી 4 લાખની વસ્તીને આ ડ્રેનેજનામાંથી છુટકારો મળશે.

શહેરના 100 જંકશનોનું બ્યુટિફિકેશન, 19 તૈયાર, 40 પર કામગીરી ચાલુ

આ ઉપરાંત શહેરનાં જંકશનો પર વાહન ચાલકો ઊભા રહે ત્યારે આ જંકશનો સુશોભિત લાગે તેવા પ્રયત્નોનું આયોજન છે. આ જંકશનોનાં બ્યુટીફિકેશન ઉપરાંત શહેરમાં 100 જંકશનોને આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે, જેમાંથી 19 જેટલા જંકશન તૈયાર થઈ ગયા છે અને અન્ય 40 જેટલા જંકશનોને તૈયાર કરવાની કામગીરી હાલ ચાલુ છે. આ જંકશનોમાં પાંજરાપોલ, ઇન્કમટેક્સ જેવા જંકશનોનો સમાવેશ થાય છે. આવનારા બજેટમાં આ જંકશનોનાં બ્યુટિફિકેશન વિશે વધુ વાતચીત થશે. 

જગન્નાથ મંદિર માર્ગ પરના ફેરિયા અને કામચલાઉ દબાણો હટાવી માર્ગ ખુલ્લો કરાશે

વધુમાં ચેરમેને જણાવ્યું કે, જગન્નાથ મંદિરે આવતા જતા લોકો માટે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા આ રોડ પર કામ ચલાવતા શાકભાજી, ફૂલોનાં વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા રોડ પર દબાણો કરાયા છે. જેમને યોગ્ય જગ્યા આપી હોવા છતાં આ બધા વેપારીઓ રોડ પર આવી જાય છે જેથી લોકો જગન્નાથ મંદિરે સમયસર પહોંચી શકતા નથી. તે માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર થયેલી ચર્ચા અનુસાર આ દબાણો દૂર કરવામાં આવશે. જેથી લોકો સહેલાઈથી જઈ શકે તે માટે રસ્તો ક્લિયર કરવામાં આવશે અને ત્યાં રહેલા છૂટા કામ ચલાવતા દબાણોને દૂર કરવામાં આવશે. 

આ પણ વાંચો: અમદાવાદમાં ફ્લાવર શો 7 દિવસ લંબાવાયો, હવે 29 જાન્યુઆરી સુધી લોકો માણી શકશે

આ ઉપરાંત ચેરમેને જણાવ્યું કે, આગામી 19 તારીખે સોમવારના રોજ અપીલ કમિટી મળશે, જેમાં કામદારો ઉપર એક્શન લેવામાં આવેલા હોઇ એમનું હેયરીંગ કરવામાં આવશે. અપીલ કમિટીના ચાર મેમ્બરો અને ચેરમેનની અધ્યક્ષતામાં કર્મચારી પર એક્શન લેવામાં આવ્યા છે અને પરિણામે નોકરીમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો એ કર્મચારીને બોલાવીને તેમનું સાચું કારણ જાણવામાં આવશે.

હકીકતમાં એમનું કારણ જો સાચું હોય તો તેમને નોકરી પર પરત લેવામાં આવતા હોય છે. ઘણીવાર મેડિકલના કારણે લાંબી રજા પર રહ્યા હોય કે લાંબી માંદગીના કારણે રજા પર રહ્યા હોય કે અન્ય સામાજિક કારણને લીધે એમના કારણો જો સચોટ હોય તો એમને નોકરી પર આપણે પરત લઇશુ, તે માટે કમિટી આગામી સોમવારના રોજ મળશે.

ફ્લાવર શોની તારીખ લંબાવાઈ

તેમણે જણાવ્યું કે, અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 1 જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રીનાં હસ્તે ખુલ્લો મૂકાયો હતો. જેનો શહેરીજનો દ્વારા દિન-પ્રતિદિન અદ્દભૂત પ્રતિસાદ મળ્યો છે.  ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે 60,000 કરતાં વધારે લોકોએ આ ફ્લાવર શોને જોવા અને માણવા હાજરી આપી હતી. જેથી લોક લાગણીને માન આપી અને વધુ માત્રામાં લોકો ફ્લાવર શો જોવા માટે આવે તે માટે ફ્લાવર શોને એક અઠવાડિયા સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: અમદાવાદ: ‘માનેલી બહેન’ની મિત્રતામાં યુવકની ઘાતકી હત્યા, સમાધાનના બહાને બોલાવી હત્યા કરનાર 4 આરોપીની ધરપકડ

અગાઉ ફ્લાવર શોને 22 જાન્યુઆરી સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ અમદાવાદની જનતાનાં અદ્દભૂત પ્રતિસાદ અને ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવતી એનઆરઆઇ જનતાને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોને 29 જાન્યુઆરી સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જેનો લોકો લાભ લઇ શકે છે.