Ahmedabad News : અમદાવાદના મણિનગર વિસ્તારમાં 14 જાન્યુઆરીની રાત્રે એક સનસનીખેજ હત્યાની ઘટના બની હતી. જેમાં 'માનેલી બહેન' સાથેના સંબંધોની અદાવતમાં ચિરાગ રાઠોડ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. મણિનગરના ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બનેલી આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વીજ પરમાર સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
'માનેલી બહેન'ની મિત્રતામાં યુવકની ઘાતકી હત્યા કેસ
આ ઘટનાની વિગતો મુજબ, મૃતક ચિરાગ રાઠોડ મણિનગરની એક યુવતીને પોતાની માનેલી બહેન માનતો હતો. આ યુવતી એરોન કંપનીમાં ડેટા એન્ટ્રીનું કામ કરે છે, જ્યાં મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વીજ પરમાર પણ તેની સાથે નોકરી કરતો હતો. મંથન અને યુવતી વચ્ચેની મિત્રતા ચિરાગને પસંદ નહોતી, જેના કારણે તેણે વારંવાર બંનેને એકબીજાથી દૂર રહેવા માટે ટોક્યા હતા. આ બાબતને લઈને મંથન નારાજ હતો અને તેણે ચિરાગને રસ્તામાંથી હટાવી દેવાનું નક્કી કર્યું હતું.
સમાધાનના બહાને બોલાવી છાતીમાં ચપ્પુના ઘા ઝીંકનાર 4ની ધરપકડ
14 જાન્યુઆરીની રાત્રે આશરે પોણા નવ વાગ્યાની આસપાસ આરોપી મંથને સમાધાન કરવાના બહાને ચિરાગ અને યુવતીના સગા ભાઈ નયનને મણિનગરના ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બોલાવ્યા હતા, ત્યાં મંથન તેના ત્રણ મિત્રો વિજય પરમાર, જયદીપ શાહ અને હર્ષિલ શાહ સાથે બે વાહનોમાં પહેલેથી જ હાજર હતો.
જ્યારે ચિરાગ અને નયન ત્યાં પહોંચ્યા, ત્યારે આરોપીઓએ આયોજનબદ્ધ રીતે ચિરાગ પર ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં ચિરાગની પાંસળી પાસે છાતીના ભાગે ચપ્પુનો ઊંડો ઘા વાગતા તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન લોહીયાળ જંગ! ફતેવાડી અને મકરબામાં નજીવી બાબતે હિંસક હુમલા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ચારેય આરોપીઓ હત્યા કર્યા બાદ ભાગી ગયા હતા, પરંતુ પોલીસે તેમને ભૈરવનાથ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલું ચપ્પુ અને અન્ય હથિયારો પણ રિકવર કર્યા છે.
નોંધનીય છે કે, મુખ્ય આરોપી મંથન અને જયદીપ શાહ અગાઉ શાહપુર અને શાહીબાગ વિસ્તારમાં હત્યાના પ્રયાસ અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. હાલ પોલીસ આ હત્યા પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને કાવતરું ક્યાં રચાયું હતું તે અંગે કસ્ટડી મેળવી વધુ પૂછપરછ કરી રહી છે.


