Get The App

અમદાવાદમાં ફ્લાવર શો 7 દિવસ લંબાવાયો, હવે 29 જાન્યુઆરી સુધી લોકો માણી શકશે

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ફ્લાવર શો 7 દિવસ લંબાવાયો, હવે 29 જાન્યુઆરી સુધી લોકો માણી શકશે 1 - image


Ahmedabad Flower Show: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીથી શરુ થયેલો ફ્લાવર શો 7 દિવસ લંબાવવામાં આવ્યો છે. આમ, હવે 29 જાન્યુઆરી સુધી લોકો તે નિહાળી શકશે. 

ફ્લાવર શોમાં મુલાકાત સમય વધારવામાં આવ્યો

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર તથા ફ્લાવર ગાર્ડન ખાતે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને શહેરીજનોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળતાં, વધુમાં વધુ લોકો આ રંગબેરંગી ફ્લાવર શો નિહાળી શકે તે હેતુથી મુલાકાત સમય વધારી દેવામાં આવ્યો છે. જેમાં 16 જાન્યુઆરી 2026થી મુલાકાતીઓ ફ્લાવર શો રાત્રે 10:00 વાગ્યા સુધી નિહાળી શકશે, જ્યારે ટિકિટ રાત્રે 9:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. મુલાકાતીઓએ રાત્રિના 10:00 વાગ્યા સુધીમાં મુલાકાત પૂર્ણ કરવાની રહેશે જે પહેલા 9:00 કલાક સુધી જ હતી.

રાત્રિના સમયમાં VIP ટિકિટ વ્યવસ્થા હવે ઉપલબ્ધ રહેશે નહીં

વધુમાં વધુ નાગરિકોને ફ્લાવર શોનો આનંદ મળી રહે તે હેતુસર રાત્રિના સમયમાં VIP ટિકિટ વ્યવસ્થા હવે ઉપલબ્ધ રહેશે નહીં, જ્યારે સવારની VIP ટિકિટ વ્યવસ્થા યથાવત રહેશે. સવારના 07:00 વાગ્યાથી 08:00 વાગ્યા સુધી VIP ટિકિટ ઉપલબ્ધ રહેશે તથા VIP મુલાકાત સમય સવારના 08:00થી 09:00 વાગ્યા સુધી રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ ફ્લાવર શોમાં મુલાકાત સમય વધારવામાં આવ્યો, રાત્રિની VIP ટિકિટ વ્યવસ્થા બંધ

ટિકિટના દર પર કરો નજર

મુલાકાતીઓની સુવિધા માટે એએમસી દ્વારા ટિકિટિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા અને શનિ-રવિ કે જાહેર રજાના દિવસે 100 રૂપિયા રાખવામાં આવ્યો છે. 12 વર્ષથી નીચેના બાળકો, એએમસી સ્કૂલના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે પ્રવેશ તદ્દન નિશુલ્ક છે, જ્યારે અન્ય શાળાના બાળકો માટે સવારના સમયે માત્ર 10 રૂપિયા ફી રાખવામાં આવી છે. શાંતિથી નિહાળવા માંગતા લોકો માટે 500 રૂપિયાની ટિકિટ સાથે 'પ્રાઇમ સ્લોટ'ની પણ વ્યવસ્થા છે. જે  'પ્રાઇમ સ્લોટ' હવે માત્ર સવાર પૂરતો જ રહેશે.