અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ 'બોલ માડી અંબે...'ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા
Ambaji Bhadarvi Poonam Mela: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સોમવાર (પહેલી સપ્ટેમ્બર)થી સાત દિવસીય ભાદરવી પૂનમના પરંપરાગત મહામેળાનો રંગેચંગે પ્રારંભ કરાયો છે. કલેક્ટર તેમજ આરાસુરી અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટના ચેરમેન દ્વારા માતાજીના રથની શાસ્ત્રોક રીતે પૂજા-અર્ચના કરીને હજારો માઇભક્તોની હાજરીમાં રથ ખેંચીને મહામેળાની શરૂઆત કરાઈ હતી. શક્તિપીઠ અંબાજીમાં મંગળવાર (2 સપ્ટેમ્બર)થી શક્તિ, ભક્તિ અને આસ્થાનો મહાસાગર જોવા મળશે. પહેલા દિવસે જ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી તરફના માર્ગો પર પગપાળા સંઘ અને પદયાત્રીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. આખુંય અંબાજી બોલ માડી અંબે... જય-જય અંબે...ના નાદથી ગુંજી ઉઠ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના રસ્તાઓ પર પદયાત્રીઓ માટે સેવા કેમ્પો લગાવી પગપાળા સંઘ અને યાત્રીકો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
બોલ મારી અંબે... જય જય અંબે...ના નાદથી ગૂંજી ગિરિમાળા
અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક રીતે અને ભક્તિ ભાવથી પૂજા-અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાના પ્રથમ દિવસથી જ બોલ મારી અંબે... જય જય અંબે...ના નાદ સાથે ગિરિમાળાઓ ગૂંજી ઉઠી હતી. કલેક્ટરે લાખો માઇભક્તોને મેળામાં આવકારતા મા અંબા માઇભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી.
મેળામાં વિવિધ સુવિધાઓ
મેળાના પહેલા દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠયા છે. બાળ સહાયતા કેન્દ્ર, મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. મેળાના પ્રારંભે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલા વિવિધ સમિતિઓના સુપરવાઇઝર અને મોટી સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયુ છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના રસ્તાઓ બોલ માડી અંબે... જય જય અંબે...ના નાદથી ગૂંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવાયા છે. માં અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂર-દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ માતા અંબાના ધામ પહોંચશે, ત્યારે ભક્તોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
બાળસહાયતા કેન્દ્ર ભૂલા પડેલા બાળકોનું પરિવાર સાથે મિલન કરાવશે
મેળા દરમિયાન કામાક્ષી મંદિર સામે હડાદ રોડ, રાવણ ટેકરી દાતા અને મુખ્ય કંટ્રોલ પોઇન્ટ અંબાજી ખાતેથી બાળકોના ગળામાં એક આઇકાર્ડ પહેરાવવામાં આવે છે, જેની અંદર બાળકોનું નામ, સરનામું, વાલીનું નામ, મોબાઈલ નંબર વગેરે વિગતો લખવામાં આવે છે. બાળક ક્યાંય પણ ખોવાય તો તેના કાર્ડના આધારે એ બાળકના પરિવાર સુધી પહોંચવામાં મદદ મળી રહે છે. જ્યાં સુધી બાળકના વાલી કે વારસો મળી ન આવે ત્યાં સુધી તેને બાળ સહાયતા કેન્દ્ર પર સુરક્ષિત રીતે સાચવીને તેઓના સબંધીઓ સાથે મિલન કરાવવાની કામગીરી કરાય છે.
બાળકો માટે ફીડિંગ રૂમ અને રમકડા ઘરની વ્યવસ્થા
મેળામાં એક ફીડિંગ રૂમ/ ઘોડિયા ઘર, રમકડા ઘરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં માતાઓ તેમના બાળકોને ફીડિંગ કરાવી શકે છે. આ સિવાય બાળકો માટે પારણા, રમકડા અને સૂકા નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ છે. આ કેન્દ્ર ખાતે આંગણવાડીની બહેનો અને બાળ સુરક્ષાની ટીમ દ્વારા બાળકોને કાળજી અને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.
મેળામાં માઇભક્તો માટે વિવિધ સુવિધાઓ ઊભી
અંબાજીમાં સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ આયોજન કરાયુ છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે... જય જય અંબે...ના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરાયા છે.
માઇભકતો માતાજીના નોરતાનું નિમંત્રણ પાઠવવા ઉમટશે
અંબાજીમાં 7મી સપ્ટેમ્બર સુધી ચાલનાર ભાદરવી પૂનમના સાત દિવસીય મહા મેળામાં દૂર દૂરથી માઇભક્તો આકરી પદયાત્રા કરીને માં અંબાને નવલા નોરતામાં પધારવાનું નિમંત્રણ પાઠવવા માટે લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ મા અંબાના ધામ પહોંચશે. જેથી અંબાજીમાં શકિતની ભક્તિનો અનેરો સંગમ સર્જાશે.