રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા મનસુખ સાગઠિયાના જામીન
Mansukh Sagathiya Bail : રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં આરોપી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કર્યા છે. અગ્નિકાંડ મામલે નોંધાયેલા કેસમાં તેમને રાહત મળી છે.
મનસુખ સાગઠિયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી બાદ કોર્ટે આ નિર્ણય લીધો છે. અગ્નિકાંડ બાદ થયેલી તપાસમાં સાગઠિયાએ લાંચ લીધી હોવાની કબૂલાત પણ કરી હતી.
જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા હોવા છતાં મનસુખ સાગઠિયાને હાલ જેલમાંથી મુક્તિ નહીં મળે. તેઓ હજુ પણ બે અન્ય કેસમાં જેલમાં રહેશે. જેમાં બોગસ મિનિટ્સ બુક અને અપ્રમાણસર મિલકતના કેસનો સમાવેશ થાય છે, જેમાં તેમને જામીન મળવાના બાકી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ ગુજરાતભરમાં ગેમ ઝોન અને ફાયર સેફ્ટીના નિયમોને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં તત્કાલીન TPO મનસુખ સાગઠિયા પર ફરજમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા.