બીસીએ (બરોડા ક્રિકેટ એસોસિએશન)ની ચૂંટણીમાં ઉમેદવારોની યોગ્યતાના વિવાદને લઈને હાઈકોર્ટે અંતિમ ચૂકાદો ન આવે ત્યાં સુધી પરિણામો જાહેર ન કરવા તથા ડે-ટુ ડે કામકાજ માટે કેટલીક શરતો સાથે કેરટેકર બોડીની રચના કરી છે. દરમિયાન આજે બીસીએના વહીવટ અંગે સવાલો ઉઠાવી આરએસજે જુથ દ્વારા કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની પ્રક્રિયા હાથ ધરાઈછે. આરએસજે (રોયલ સત્યમેવ જયતે) જુથ દ્વારા જણાવાયું છે કે બીસીએના સીઈઓનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં તેઓ કાર્યરત છે. કેરટેકર બોડીની બેઠક બોલાવ્યા વિના નિર્ણયો થઈ રહ્યાં છે. માપદંડો અને યોગ્ય મંજુરી પ્રક્રિયા વિના ભારોભાર પ્રદર્શન બોનસ ચૂકવણીનો નિર્ણય થયો છે. ઉતાવળમાં ક્રિકેટ ટૂર્નામેન્ટસ્ યોજતા બીસીએ પર નાણાંકીય બોજા ઊભા થયા છે.
બીપીએલ(બરોડા પ્રિમિયર લીગ)ના આયોજન સામે પણ સવાલો ઉઠાવી જણાવાયું છે કે બ્રાન્ડિંગ, સ્પોન્સરશિપ, કેટરિંગ, બ્રોડકાસ્ટિંગ સહિતના કરોડો રૂપિયાના કરારોની પ્રક્રિયા કોણ કરશે. કેરટેકર બોડીના પાંચમાંથી ત્રણ સભ્યોનો કાર્યકાળ પુર્ણ થઈ ગયો છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના આદેશનુસાર બીસીએને નવી નિમણૂંકો અથવા કરારો કરવા પ્રતિબંધિત હોઈબીપીએલની ગવર્નિંગ કાઉન્સિલની નિમણૂંક કેરટેકર બોડીની મંજૂરી વિના કરાઈ છે.
વધુમાં ઉમેર્યું છે કે કાનુની સત્તા માત્ર સચિવને હોવા છતાં સીઈઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ પેન્ડિંગ એલ પીએ (લેટર્સ પેટન્ટ અપીલ)નો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી બીપીએલનું આયોજન, ગવર્નિંગ કાઉન્સિલની રચના તથા સંબંધિત તમામ નિર્ણયો અને પ્રક્રિયાઓને સ્થગિત રાખવાની માગ કરાઈ છે. આ સ્થિતિમાં બીસીએના નાણાંકીય અને સંસ્થાકીય નુકસાન માટે સંબંધિત વ્યક્તિઓ જવાબદાર રહેશે તેવું પણ જણાવાયું છે.


