- માતર જમીન કૌભાંડ મામલે હાઈકોર્ટમાં પિટિશન
- 34 શંકાસ્પદ કેસો મામલે વિજિલન્સ તપાસની માંગ સાથે ખેડૂતે તંત્ર, રાજકીય નેતાઓની મિલીભગત ખુલ્લી પાડી
વર્ષ ૨૦૨૨મા તત્કાલીન મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માતરની મુલાકાત દરમિયાન ૫૦૦ જેટલા બોગસ ખેડૂતો અને ૨૦૦૦ કરોડની મિલકતોના કૌભાંડનો સ્વીકાર કર્યો હતો, તેમ છતાં સ્થાનિક અધિકારીઓએ કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે ભ્રષ્ટાચાર આચરીને આ બોગસ ખેડૂતોને કાયદેસર ઠેરવ્યા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. માતર તાલુકાના રોહિસા, તેલાવ, સોખડા અને ગરમારા જેવા ગામોમાં જમીન રેકોર્ડમાં ચેડાં કરીને અનેક લોકોને રાતોરાત ખેડૂત બનાવી દેવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં એઆઈએમઆઈએમના ગુજરાત પ્રમુખ સાબિર કાબલીવાલા ઉપરાંત અદનાન મુલ્લજીવાલા અને યાસીન ખેડાવલાના કુટુંબીજનોના નામો ઉછળ્યા છે. અરજદારનો આક્ષેપ છે કે, આ લોકો અન્ય તાલુકાઓમાં ખેડૂત તરીકે જમીન ખરીદી શકતા નથી કારણ કે તેમની ખેડૂત તરીકેની ઓળખ જ શંકાસ્પદ છે. તેમ છતાં માતરના તત્કાલીન મામલતદાર વી.પી. પુરોહિત, નાયબ મામલતદાર હર્ષદ પરમાર અને ડેપ્યુટી કલેક્ટર વિમલ ચૌધરીએ કથિત રીતે કરોડો રૂપિયાનો વહીવટ કરીને આ તમામ બોગસ ખેડૂતોને ક્લીન ચીટ આપી દીધી હતી. હાલમાં આ મામલે ૩૪ જેટલા કેસો વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરવામાં આવી છે, જેમાંથી ૩૩ કેસો તો માત્ર એક જ કુટુંબના હોવાનું બહાર આવ્યું છે. અરજદાર મહોસીન શેખે એવો પણ આક્ષેપ કર્યોે છે કે, સાબિર કાબલીવાલાએ પોતાના રાજકીય પાવરનો દૂરુપયોગ કરી તપાસ દબાવવાનો પ્રયાસ કર્યોે છે. ૧૯૩૦થી ખેડૂત હોવા છતાં અરજદારને હેરાન કરવામાં આવ્યા હતા, જે બાદ તેમણે આ લડત શરૂ કરી છે. આ મામલે અમદાવાદ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચમાં પણ જાણ કરવામાં આવી છે. કારણ કે અરજદારને જાનહાનીનો ભય સતાવી રહ્યો છે. વિજિલન્સ તપાસમાં જો નિષ્પક્ષતા જળવાય તો રાજ્ય સરકારને થયેલું કરોડોનું નુકસાન અને સાચા ખેડૂતોને થયેલો અન્યાય બહાર આવી શકે તેમ હોવાનું જણાવ્યું છે.
- 'મારે આ મામલે નિવેદન આપવાનું થતું નથી' વી.પી. પુરોહિત, તત્કાલિન મામલતદાર
આ સમગ્ર મામલે માતરના તત્કાલિન મામલતદાર વી. પી. પુરોહિતનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, મારે આ મામલે કોઈ નિવેદન આપવાનું થતંુ નથી. ત્યારે તેમની ચુપકીદીના કારણે પણ તેમની આ કૌભાંડમાં ભૂમિકા અંગે અનેક શંકા-કુશંકા જન્મી રહી છે.
- રાજકીય વગનો દૂરુપયોગ થયો હોવાનો દાવો
સાબિર કાબલીવાલા અને તેમના નજીકના લોકોએ માતરમાં જે રીતે જમીનોની ખરીદી કરી છે, તેમાં સ્થાનિક વહીવટદારો તોસીફ ખાન પઠાણ, જીગ્નેશ મકવાણા અને વિપુલ મેઘાની ભૂમિકા શંકાના દાયરામાં છે. આ વહીવટદારોએ જ અધિકારીઓ સાથે મળીને બોગસ પુરાવાઓને સાચા તરીકે રજૂ કરવામાં મદદ કરી હોવાનું અરજદારે જણાવ્યું છે.


