વડોદરાઃ સયાજી હોસ્પિટલ સાથે સંલગ્ન બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન અને ફાર્મેકોલોજી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.અમોલ ભાવે સામે વિદ્યાર્થિનીઓએ કરેલા સતામણીના આક્ષેપોના પગલે ખળભળાટ મચી ગયો છે.આ આક્ષેપો બાદ મેડિકલ કોલેજના સત્તાધીશો દ્વારા અધ્યાપક ડો.અમોલ ભાવેને વાઈસ ડીન પદેથી હટાવી દેવાયા છે.તેમની પાસેથી પરીક્ષાલક્ષી કામગીરી પણ લઈ લેવાઈ છે અને વીમેન હેરેસમેન્ટ કમિટિને તપાસ સોંપવામાં આવી છે.કમિટિએ ડો.ભાવેને તા.૨ માર્ચ, સોમવારે હાજર થવાનું ફરમાન કર્યું છે.
સૂત્રોનું કહેવું છે કે, ત્રણ થી ચાર વિદ્યાર્થિનીઓએ લેખિત ફરિયાદ કરી છે કે, જાન્યુઆરી મહિનામાં પરીક્ષાના ભાગરુપે બીજા વર્ષની વિદ્યાર્થિનીઓના વાયવા દરમિયાન ડો.ભાવે હાથ પર ક્રીમ કેવી રીતે લગાવવું તે દર્શાવવાના નામે તેઓ વિદ્યાર્થિનીઓને તેમનો હાથ પકડીને ક્રીમ લગાવીને બતાવતા હતા. જેની સામે વિદ્યાર્થિનીઓએ વાંધો ઉઠાવ્યો હતો.મળતી વિગતો અનુસાર પહેલા વિદ્યાર્થિનીઓએ ફાર્મેકોલોજી વિભાગના હેડને મૌખિક ફરિયાદ કરી હતી.જોકે હેડ અને ડીને કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરવાનું કહેતા ગત સપ્તાહે વિદ્યાર્થિનીઓએ લેખિત ફરિયાદ કરી હતી.જેના પગલે વુમન હેરેસમેન્ટ કમિટિને આ મામલાની તપાસ સોંપવામાં આવી છે.કમિટિએ કેટલીક વિદ્યાર્થિનીઓના નિવેદન પણ નોંધ્યા છે.
શીખવાડવા માટે ત્રણ થી ચાર સેકન્ડ હાથ પકડયો હતો
મારો ખરાબ ઈરાદો હતો જ નહી વિદ્યાર્થિનીઓ દીકરી સમાન છે
મારી વાતનું ખોટુ અર્થઘટન કરાયું છે, વિદ્યાર્થિનીઓને ખરાબ લાગ્યું હોય તો હું સોરી કહું છું
ડો.ભાવેએ કહ્યું હતું કે, હું ૨૮ વર્ષથી અધ્યાપક તરીકે નોકરી કરું છું.સ્ટુડન્ટ ડીન રહી ચૂકયો છું અને મને સ્ટુડન્ટસ પોતાના કામ માટે મળવા પણ આવતા હોય છે.મારી સામે ક્યારેય આ પ્રકારની કોઈ ફરિયાદ થઈ ન થી.જો કોઈ વિદ્યાર્થિનીને મારા કોઈ વાક્યથી ખરાબ લાગ્યું હોય તો હું સોરી કહું છું.મને લાગે છે કે, મારી વાતનું તેમણે ખોટુ અર્થઘટન કર્યું છે.આ વિદ્યાર્થિનીઓ મારી દીકરીઓ સમાન છે.મારો કોઈ ખરાબ ઈરાદો હતો જ નહીં.માત્ર શીખવાડવા માટે વિદ્યાર્થિનીનો ત્રણ થી ચાર સેકન્ડ માટે પાથ પકડયો હતો.મારે વિદ્યાર્થિનીઓને કહેવું છે કે, હું તમારુ કશું ખરાબ કરવા માગતો નથી અને તમે ગભરાવ છો તે જાણીને મને દુખ થયું છે.
સસ્પેન્શન સુધીની કાર્યવાહી થઈ શકે છે
સૂત્રોનું કહેવું છે કે, જો ડો.ભાવે સામે લાગેલા આરોપો પૂરવાર થાય તો તેમને લાંબી રજા પર ઉતરાઈ શકે છે અથવા તો સસ્પેન્શન સુધીના પગલા પણ લેવાઈ શકે છે.વીમેન હેરેસમેન્ટ કમિટિમાં નવ સભ્યો છે અને એક સભ્ય એક સપ્તાહની રજા પર ગયા હોવાથી કમિટિની તપાસ અટકી છે.જે તા.૨ માર્ચથી ફરી શરુ થશે.
સીસીટીવીના અભાવે ફૂટેજ મળી શકે તેમ નથી
મળતી વિગતો પ્રમાણે જે ક્લાસમાં વાયવા લેવાયો હતો તે ક્લાસમાં સીસીટીવી કેમેરા નથી.જો સીસીટીવી ફૂટેજ હોત તો જે પણ ઘટના બની તે સ્પષ્ટ રીતે સામે આવી શકી હોત.મેડિકલ કોલેજમાં મોટાભાગના સ્થળોએ સીસીટીવી નથી.સુરક્ષાની રીતે પણ આ મુદ્દો ચિંતાનો વિષય છે.


