સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા થવા પાછળ સ્કૂલની બેદરકારી આવી સામે, પ્રિન્સિપાલ વિરૂદ્ધ ગુનો દાખલ
Ahmedabad Seventh Day School Case: અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક હચમચાવી દેનારી ઘટના બની હતી, જ્યાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત થઈ જતાં સમગ્ર શહેર અને દેશમાં પડઘાં પડ્યા છે. ઘટના બાદ સ્કૂલની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. મૃતકના પરિવારજનો, સિંધી સમાજના લોકો, અન્ય વાલીઓ અને હિન્દૂ સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને ન્યાયની માગ કરી. ઘટના બાદ શિક્ષણ વિભાગ અને રાજ્યની સ્કૂલઓ પણ ચિંતિત બની છે. આ વચ્ચે હવે સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્કૂલ સામે બેદરકારી બદલ ગુનો દાખલ કરાયો છે. બીજી તરફ આરોપી સગીરને રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે.
સેવન્થ ડે સ્કૂલ વિરૂદ્ધ ગુનો નોંધાયો
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીની હત્યાના કેસમાં અલગથી ગુનો દાખલ કરાયો છે. જેમાં સેવન્થ ડે સ્કૂલ અને સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. જી ઇમેન્યુઅલ(G. Immanuel) વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. સ્કૂલએ હુમલા અંગે પોલીસને જાણ કરી ન હતી. સ્કૂલ વહીવટી તંત્રની બેદરકારી મુજબ ગુનો નોંધાયો છે. જેમાં કલમ 211 અને 239 મુજબ સ્કૂલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
![]() |
સેવન્થ ડે સ્કૂલની કઈ કઈ બેદરકારી સામે આવી
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઘટનાની તપાસ કરાઈ હતી, જેમાં સ્કૂલની બેદરકારી સામે આવી હતી. મૃતક બાળક 38 મિનિટ સુધી ઇજાગ્રસ્ત હાલતમાં તડપ્યો હતો. આ અંગે સ્કૂલ સંચાલક અને સિક્યુરિટીને જાણ થઇ હોવા છતાં કોઈ પણ પ્રકારની મદદ કે કાર્યવાહી કરી ન હતી. ઇજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થીને તરછોડી દેવાયો હતો. વિદ્યાર્થીને સ્કૂલ તરફથી કોઈ પ્રાથમિક સારવાર પણ અપાઈ ન હતી. આ સિવાય સ્કૂલ દ્વારા પોલીસ અને તેના પરિવારને ઘટનાની જાણ કરવા મામલે પણ વિલંબ કરાયો હતો. સ્કૂલમાં ગાડી અને બસ હોવા છતાં વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા ન હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તપાસ અધિકારીઓનું માનવું છે કે, વિદ્યાર્થીઓ વચ્ચે વારંવાર ઝઘડો થયું હોવાનું સામે આવ્યું હતું અને એવા પણ સંકેત મળ્યા હતા કે, આ ઝઘડો હજુ થઈ શકે છે. તેમ છતાં સ્કૂલ આ અંગે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હતી. જેના કારણે મહિના પહેલાં શરૂ થયેલા આ વિવાદે છેલ્લે હત્યાનું રૂપ લીધું હતું. તેથી ક્રાઇમ બ્રાન્ચ સ્કૂલને ગંભીર બેદરકારી માટે જવાબદાર ગણવા માટેની કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે સગીરની ધરપકડ કરી છે.
![]() |
શું હતી ઘટના?
અમદાવાદમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.
પ્રિન્સિપાલ જી. ઇમેન્યુઅલ કોણ છે?
અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાઇ સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ જી. ઇમેન્યુઅલ છે. વાલીઓએ જણાવ્યું છે કે, હત્યાની ઘટના પહેલા હિંસા અને ગુંડાગીરીના ઘણા બનાવો તેમના ધ્યાનમાં આવ્યા હતા, પરંતુ તેમણે ક્યારેય તેમના પર ધ્યાન આપ્યું ન હતું કે કોઈ પગલાં લીધા ન હતા. સ્કૂલ 'કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન' (CISCE) સાથે જોડાયેલી છે. આ એક બિન-સરકારી સંસ્થા છે જે 1990 થી સ્કૂલની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરી રહી છે. નોંધનીય છે કે, જી. ઇમેન્યુઅલ હાલમાં CISCEના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે.
સેવન્થ-ડે સ્કૂલનું સંચાલન કોણ કરે છે?
આ સ્કૂલ સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ ચર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચલાવવામાં આવે છે, જે વૈશ્વિક નેટવર્કનો એક ભાગ છે. સંસ્થાનું મુખ્ય મથક સિલ્વર સ્પ્રિંગ, મેરીલેન્ડ, UASમાં આવેલું છે. 'એશલોક ટ્રસ્ટ', જે 'સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ ઓર્ગેનાઇઝેશન' ની શૈક્ષણિક શાખા હેઠળ કાર્યરત છે, તે સ્કૂલનું સંચાલન કરે છે. વૈશ્વિક સ્તરે આ સંસ્થા 7,804 સ્કૂલઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ચલાવે છે. આ સેવન્થ ડે સ્કૂલ CISCE અને ગુજરાત બોર્ડ બંને સાથે જોડાયેલી છે.