BIG NEWS: ગુજરાતમાં 1300થી વધુ જગ્યાઓ પર ટ્રાફિક બ્રિગેડની થશે ભરતી, હાઈકોર્ટમાં સરકારે આપી બાહેંધરી
1315 Traffic Police will be Directly Recruited: ગુજરાત હાઇકોર્ટે અમદાવાદના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ચીફ જસ્ટિસની બેંચ દ્વારા સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી, જેની આજે એટલે કે 22 ઓગસ્ટના રોજ સુનાવણી થઈ. જેમાં ટ્રાફિક બ્રિગેડની સીધી ભરતી અંગે રાજ્યમાં મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતમાં 1300થી વધુ જગ્યાઓ પર ટ્રાફિક બ્રિગેડની થશે ભરતી
આ સુનાવણીમાં, સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યમાં કુલ 1315 ટ્રાફિક કર્મચારીઓની જરૂરિયાત છે. આગામી સમયમાં, આ જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે. આ 1315 જગ્યાઓમાંથી, 200 ટ્રાફિક કોન્સ્ટેબલ અમદાવાદ શહેરને ફાળવવામાં આવશે.
પોલીસની જરૂરિયાત: 15 વર્ષ માટે થર્ડ પાર્ટી એક્સપર્ટની સલાહ
પોલીસ દળની ભવિષ્યની જરૂરિયાત નક્કી કરવા માટે 15 વર્ષ માટે થર્ડ પાર્ટી એક્સપર્ટની સલાહ લેવામાં આવી રહી છે. હાલમાં 11,000 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જોકે, કોર્ટે જણાવ્યું છે કે, 'રાજ્યની વર્તમાન વસ્તી મુજબ પોલીસની જરૂરિયાત સ્પષ્ટ નથી, તેથી આ અંગે વિશ્લેષણ જરૂરી છે, જેમાં ટ્રાફિક પોલીસની ભવિષ્યની જરૂરિયાત પણ સામેલ છે. કોર્ટે ગૃહ વિભાગના સેક્રેટરીને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા અને નવેમ્બરમાં સુનાવણી રાખવા આદેશ કર્યો છે.
અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ, ટ્રાફિક બ્રિગેડ, અમદાવાદ દ્વારા ટ્રાફિક બ્રિગેડ (મહિલા/પુરૂષ) માટે ભરતી અંગેની મુખ્ય માહિતી...
- પદનું નામ: ટ્રાફિક બ્રિગેડ (મહિલા અને પુરૂષ)
- અમદાવાદમાં જગ્યા: કુલ 650 (પુરુષ-436, મહિલા-214)
- શૈક્ષણિક લાયકાત: ધોરણ-9 પાસ
- ફક્ત અમદાવાદ શહેરના સ્થાનિક રહેવાસીઓ જ અરજી કરી શકે છે.
- આ ભરતીમાં પોલીસ, SRP, રેલવે પોલીસ, આર્મી, નેવી, એરફોર્સ, હોમગાર્ડ અને અર્ધલશ્કરી દળોમાંથી નિવૃત્ત થયેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે થશે.
- રિટાયર્ડ સરકારી કર્મચારીઓ અને સ્ત્રી/પુરુષ હોમગાર્ડ જવાનો પણ અરજી કરી શકે છે.
આ પણ વાંચો: એમ.એસ યુનિવર્સિટી હોસ્ટેલ પાસે ઉભેલા નવાયાર્ડ વિસ્તારમાં રહેતા યુવક પર હુમલો
અરજી કરવાની પ્રક્રિયા:
અરજી ફોર્મ ભરવાનો સમય: 25/08/2025થી 18/09/2025 સુધી, સવારે 11:00 થી 18:00 સુધી.
અરજી ફોર્મ અને વધુ વિગત મેળવવાનું સ્થળ: PRO રૂમ, જૂની પોલીસ કમિશનર કચેરી, શાહીબાગ, અમદાવાદ.