Get The App

આવતીકાલથી શરુ થશે કાંકરિયા કાર્નિવલ, 34 હાઇ-ટેક કેમેરાથી ભીડ પર રખાશે નજર

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
આવતીકાલથી શરુ થશે કાંકરિયા કાર્નિવલ, 34 હાઇ-ટેક કેમેરાથી ભીડ પર રખાશે નજર 1 - image


Kankaria Carnival Launch: અમદાવાદના આંગણે 'કાંકરિયા કાર્નિવલ'નો આવતીકાલે પ્રારંભ થવા જઈ રહ્યો છે. આવતીકાલે સાંજે 7 કલાકે મુખ્યમંત્રી આ મહોત્સવને ખુલ્લો મૂકશે. મહત્ત્વનું છે કે, વર્ષ 2008માં આ ઉત્સવની શરુઆત કરાવી હતી, ત્યારથી આ કાર્નિવલ અમદાવાદીઓની ઓળખ બની ગયો છે. આ વખતે પણ ગુજરાતના જાણીતા સિંગરોના પર્ફોમન્સ અને અનેક સ્પર્ધા અહીં યોજાશે.

ગુજરાતના કલાકારો રમઝટ બોલાવશે

કાંકરિયા કાર્નિવલ દરમિયાન વિવિધ સ્ટેજ પર કાર્યક્રમો યોજાશે. સ્ટેજ નંબર 1 પર ગુજરાતના કલાકારો જેવા કે કીર્તિદાન ગઢવી, ગીતાબહેન રબારી, સંકેત ખાંડેગલ અને પાર્થ ઓઝા પોતાની પર્ફોમ કરશે. આ ઉપરાંત, સ્ટેજ નંબર 2 અને 3 પર નેલ આર્ટ, મહેંદી સ્પર્ધા, યોગા, ઝુમ્બા અને લાફિંગ ક્લબ જેવા અનેક કાર્યક્રમો તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કાંકરિયા કાર્નિવલ 2025 માટે વાહનચાલકો સાવધાન, ટ્રાફિકના નિયમોમાં મોટો ફેરફાર, જાણો વૈકલ્પિક માર્ગ

350 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ

ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી રૂપિયા 350 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્માર્ટ સ્કૂલોનો સમાવેશ થાય છે. પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારની 90% સ્કૂલો હવે આધુનિક ક્લાસરૂમ, ગણિત-વિજ્ઞાનની લેબ અને 3D પેઇન્ટિંગ સાથે સજ્જ થઈ ગઈ છે, જેનો લાભ 1.80 લાખ વિદ્યાર્થીઓને મળશે. સાથે જ ચાંદખેડામાં સિનિયર સિટીઝન પાર્ક, કઠવાડામાં પાણીની ટાંકી અને દક્ષિણ ઝોનના 7 તળાવોને ઇન્ટરલિંક કરવાની યોજનાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

દરરોજ અંદાજે 1 લાખથી વધુ લોકો લેશે મુલાકાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ વખતનો કાર્નિવલ અનેક રીતે વિશેષ છે. સતત ત્રીજી વાર ગિનીસ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન મેળવીને હેટ્રિક કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. સુરક્ષા અને વ્યવસ્થા માટે આ વર્ષે પ્રથમવાર 'ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ' અમલમાં મૂકવામાં આવી છે. 34 હાઇ-ટેક કેમેરા દ્વારા ભીડ પર નજર રાખવામાં આવશે. જો કેમ્પસમાં લોકોની સંખ્યા મર્યાદા કરતાં વધશે, તો તાત્કાલિક અસરથી એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવશે. દરરોજ અંદાજે 1 લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતાને જોતાં આ ટૅક્નોલૉજી ખૂબ જ ઉપયોગી સાબિત થશે.