હરણીકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે! કમિટીનું ક્લિયરન્સ બાકી

Kankaria Boating: અમદાવાદના કાંકરિયા તળાવમાં વડોદરાના હરણી કાંડ પછી બોટીંગ પ્રવૃત્તિ બંધ કરાઈ હતી. 29 મે, 2024થી કાંકરિયામાં બંધ કરાયેલું બોટિંગ ફરી શરૂ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપવાની સાથે એજન્સી આમ્રપાલી ઈન્ડ.લી.ની મુદત દોઢ વર્ષ માટે લંબાવી છે. કમિટીના ચેરમેને દસદિવસમાં કાંકરિયામા ફરીથી બોટીંગ શરૂ થવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. પરંતુ સરકારની ગાઈડલાઈન મુજબ સબ કમિટી અને મેઈન કમિટી જયાં સુધી મંજૂરીની મહોર ના મારે ત્યાં સુધી કાંકરિયામાં બોટીંગ શરૂ થઈ શકે એમ નહીં હોવાનુ સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
હરણીકાંડ દુર્ઘટના બાદ દોઢ વર્ષથી બોટિંગ સેવા બંધ
કાંકરિયા તળાવમાં ચાલતી બોટીંગ પ્રવૃત્તિ કોરોના મહામારીના કારણે બંધ રખાયા પછી મ્યુનિસિપલ કમિશનરે 18 ડિસેમ્બર, 2025 સુધી એજન્સીની મુદત વધારવા મંજૂરી આપી હતી. વડોદરા ખાતે હરણીકાંડની દુર્ઘટના પછી લગભગ દોઢ વર્ષથી કાંકરિયા તળાવમાં સરકારની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર સહીતની અન્ય બાબતોના કલીયરન્સને લઈ બંધ રાખવામા આવી હતી.
વોટર સાઈડ સેફ્ટી કમિટીની મંજૂરી મેળવવાની એજન્સીની બાંહેધરી
એજન્સી દ્વારા સરકારની એસ.ઓ.પી.નુ પાલન કરવા ઉપરાંત વોટર સાઈડ સેફટી કમિટીની મંજૂરી તથા પરવાનગી મેળવી આપવાની બાંહેધરી અપાતા સ્ટેન્ડિંગ કમિટીએ જેટલો સમય બોટીંગ પ્રવૃત્તિ બંધ રહી એટલો સમય મુદત વધારી આપવા નિર્ણય કર્યો હોવાનુ દેવાંગ દાણીએ કહયુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો: ઓકટોબરમાં જ 3.30 ઈંચ વરસાદ
નગીનાવાડીના મ્યુઝિકલ ફાઉન્ટેન અને લેસર શોની મુદતમાં પણ વધારો
આ ઉપરાંત નગીનાવાડીમા ચાલતા મ્યુઝીકલ ફાઉન્ટેન અને લેસર શો કે જેની મુદતમાં પણ વધારો કરવામા આવ્યો છે.બોટીંગ ફરી શરૂ કરવા હજુ પણ કાયદાકીય આંટીઘુંટી યથાવત છે. આ કારણથી સબ કમિટી તમામ બાબતની ચકાસણી કરી મેઈન કમિટીને રીપોર્ટ આપશે. જે રીપોર્ટ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરાશે. મ્યુનિસિપલ કમિશનર મંજૂરી આપશે એ પછી જ કાંકરિયા તળાવમા ફરીથી બોટીંગ પ્રવૃત્તિ શરૂ થઈ શકશે.


 
