For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વૈશ્વિક ધરોહર ગણાતા અમદાવાદમાં પ્રવાસીઓ માટે અધિકૃત એવા માત્ર 3 હોમસ્ટે, 7 હેરિટેજ હોટેલ

અમદાવાદમાં 2600 સાઈટ્સ, બે ડઝન રાષ્ટ્રીય સ્મારકો

જૂના મકાનોની હોમસ્ટે કરતાં ગોડાઉન માટે વધુ માંગ

Updated: Apr 18th, 2024

વૈશ્વિક ધરોહર ગણાતા અમદાવાદમાં પ્રવાસીઓ માટે અધિકૃત એવા માત્ર 3 હોમસ્ટે, 7 હેરિટેજ હોટેલ

UNESCO World Heritage City: 2600 હેરિટેજ સાઈટ્સ અને અડધો ડઝનથી પણ વધુ આર્કિઓલોજિકલ સર્વેમાં આવતી સાઈટો ધરાવતું હેરિટેજ સિટી અમદાવાદ જુલાઈ 2015ના રોજ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે નામના પામ્યું છતાં નવાઈની વાત એ છે કે અમદાવાદમાં 600 વર્ષથી પણ જૂના સ્થાપત્યો વચ્ચે સ્થિત હવેલીઓ હોવા છતાં જૂના અમદાવાદમાં ગણીને ત્રણ હોમ સ્ટે છે અને સાત જેટલી પોળમાં હેરિટેજ હોટલો પ્રવાસીઓ માટે મર્યાદિત વિકલ્પ પૂરો પાડે છે. જે દેશના અન્ય હેરિટેજ શહેરોની સરખામણીમાં નહીવત્ છે.

હેરિટેજ મકાનોની ગોડાઉન તરીકેની માંગ યથાવત

આ અંગે પોળમાં હોમ સ્ટે ચલાવતા જયદીપ મહેતા જણાવે છે કે 2015થી લઈને આજ સુધી અહીંના મકાનોની ગોડાઉન તરીકેની માંગ યથાવત છે. આ એક કોમર્શિયલ હેતુ છે. જ્યારે એક હેરિટેજ સિટીમાં સારા હોમ સ્ટે હોવા તે તેનો સાંસ્કૃતિક હેતુ છે. શહેરમાં સતત ગોડાઉન વધી રહ્યા છે અને એની વચ્ચે જ્યારે હેરિટેજ દિવસ કે વીક આવે છે ત્યારે જ આપણે વિચારીએ છીએ. 

અમદાવાદ જે રીતે વિશ્વ ધરોહર તરીકે ઊભરી રહ્યું ત્યારે તેનું સાંસ્કૃતિક મહત્ત્વ કોમર્શિયલ કે ધંધાકીય મહત્ત્વ જેટલું મહત્ત્વનું હોવું જોઈએ. ધંધાકીય હેતુના કારણે હેરિટેજ મકાનોની સાથે શહેરની માનવીય જીવંત સંસ્કૃતિ સાવ વિલુપ્ત થઈ રહી છે.

ભારતના અન્ય હેરિટેજ શહેરમાં સંખ્યાબંધ હોમસ્ટે

જૂના અમદાવાદ પાસે માત્ર સ્થાપત્યનો જ વારસો છે એવું નથી પરંતુ અમદાવાદ પાસે ફૂડ, કપડાં, જવેલરી, કાષ્ટકલાનો પણ અદ્દભૂત વારસો છે. છતાં અમદાવાદની ઓળખ ઉદેપુર અને જેસલમેરની જેમ સ્થાપિત નથી થઈ શકતી. ભારતના અન્ય હેરિટેજ શહેરમાં સંખ્યાબંધ હોમસ્ટે જોઈ શકાય છે. 

અમદાવાદની ઓળખ આપતી 100થી પણ વધુ બોલિવૂડ, ગુજરાતી અને ડોક્યુમેન્ટરી ફિલ્મો વિવિધ પ્લેટફોર્મ પર જોઈ શકાય છે.

આખા ગુજરાતમાં માત્ર 90થી 100 જેટલા જ હોમસ્ટે

જે અમદાવાદને પ્રોત્સાહિત પણ કરે છે. અમે સરકારની પરમિશન લઈને એક માત્ર ઓફિશિયલ હોમ સ્ટે સર્વિસ આપીએ છીએ. અમારે જે વિદેશીઓ આવે છે. તેમને અહીંના સ્થાપત્યો સાથે ગુજરાતી ભાષા, સંગીત, કપડાં, જવેલરી ઈત્યાદીનું પણ આકર્ષણ હોય છે. 

પરંતુ સામે પક્ષે આપણી પાસે ગણીને સાતેક જેટલી હોટલો છે અને એક હોમસ્ટે છે. નવાઈની વાત એ છે કે આખા ગુજરાતમાં માત્ર 90થી 100 જેટલા જ હોમસ્ટે છે.

કલ્ચરલ હેરિટેજ સાઈટમાં હોમસ્ટેનું આગવું મહત્ત્વ

આ વિશે સમગ્ર વિશ્વની અનેક હેરિટેજ સાઈટનો અવારનવાર પ્રવાસ કરતા એલ.ડી.આર્ટ્સ કૉલેજના પ્રૉ. ડૉ. જે. ડી. ભોલા જણાવે છે કે આખું વિશ્વ એક પુસ્તક છે અને તેને ટ્રાવેલિંગ થકી જે કોઈ વાચક વાંચતો નથી તો તે એક સાદા પુસ્તકીયા પાના જ ફેરવી રહ્યો છે એવું કહીએ તો ચાલે. 

જ્યારે તમે કોઈ પરિવાર સાથે હોમસ્ટે કરો છો ત્યારે તમે ત્યાંના કલ્ચર સાથે જોડાઓ છો. હોટલ તમને ચાર દિવાલ વચ્ચે એક સુવિધા આપે છે પરંતુ કલ્ચરલ હેરિટેજ સાઈટમાં હોમસ્ટેનું આગવું મહત્ત્વ છે. 

એક ટ્રાવેલર જ એક સાચો બ્રાંડ એમ્બેસેડર છે

આપણે ત્યાં ગુજરાતમાં જ્યાં સુધી હોમસ્ટે ડેવલપ થવાની વાત એ છે ત્યાં સુધી તેમાં ફૂડ હેબિટ પારિવારિક વિભાવના ક્લેશ થતી હોવાના કારણે આ કોન્સેપ્ટ એટલો ડેવલપ નથી થતો. પશ્ચિમના દેશોમાં આ કોન્સેપ્ટ ઘણો સ્ટ્રોંગ છે. એક ટ્રાવેલર ઘરે આવીને રહે છે ત્યારે સાથે કલ્ચર શીખીને પણ થાય છે. 

જેને કારણે સમાંતરે અનેક ગૃહઉદ્યોગો, કારીગરી અને કલાને પણ પ્રોત્સાહન મળે છે. ઘણાં કારણો છે પરંતુ અમદાવાદમાં હોમસ્ટે કલ્ચર સારી રીતે વિકસવું જોઈએ. કારણ કે આખરે તો એક ટ્રાવેલર જ એક સાચો બ્રાંડ એમ્બેસેડર છે.

Article Content Image

Gujarat