અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા: તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો

Ahmedabad Crime: ગુજરાતના કથિત સુરક્ષિત કહેવાતા શહેર અમદાવાદમાં ફરી એકવાર હિંસાની ઘટનાઓ સામે આવી છે. બુધવારે (8 ઓક્ટોબર) અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ અને રાણીપ વિસ્તારમાંથી આ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે યુવકોની હત્યા કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં એક આખા ગામના લોકોનું ધર્માંતરણ કરાવી હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાયા
સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં યુવકની હત્યા
મળતી માહિતી મુજબ, અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તારમાં એક યુવક પર ઘાતકી હુમલો કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. આરોપી ભાવેશ, મેહુલ અને કરણ નામના ત્રણ શખસોએ સુરેશ ઉર્ફે કાચા ભીલ નામના વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સુરેશને ચાલીમાં કેમ આવ્યો? તેવું કહીને ધમકાવ્યો અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયારથી તેના પર ઘાતકી હુમલો કરી તેની હત્યા કરી દીધી. શાહીબાગ પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો છે. પોલીસે હાલ ત્રણેય આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સાસણ જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગ હવેથી કેન્સલ નહીં થઇ શકે, જાણો કેમ લેવાયો નિર્ણય
રાણીપમાં અંગત અદાવતમાં હત્યા
બીજી ઘટના રાણીપ વિસ્તારમાં બની હતી. અહીં અંગત અદાવતમાં નરેશ ઠાકોર નામના યુવક પર તલવારથી હુમલો કર્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક નરેશને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ, મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. યુવકના મૃત્યુ બાદ રાણીપ પોલીસે BNS (ભારતીય ન્યાય સંહિતા)ની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને પકડવાના પ્રયાસ હાથ ધર્યા છે. પ્રાથમિક તપાસમાં આ હત્યામાં અંગત અદાવત હોવાનું અનુમાન છે.