અમદાવાદમાં ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત: કાર-લક્ઝરીની ટક્કર બાદ પાછળની અન્ય ટ્રકે મુસાફરોને કચડ્યા

Ahmedabad Accident: અમદાવાદ જિલ્લાના કણભા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સોમવારે (27 ઓક્ટોબર) વહેલી સવારે ને ગમખ્વાર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

શું હતી ઘટના?
પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની શરૂઆત કાર અને એક લક્ઝરી બસ વચ્ચે ટક્કર થવાથી થઈ હતી. પહેલાં અકસ્માત બાદ બંને વાહનોના ડ્રાઇવરો રસ્તા પર ઊતરીને સમાધાનની વાત કરી રહ્યા હતા. આ સમયે લક્ઝરી બસમાંથી પણ કેટલાક મુસાફરો નીચે ઊતર્યા હતા. તે જ સમયે પાછળથી અચાનક ધસી આવેલી અન્ય એક ટ્રક રોડ પર ઊભેલા આ મુસાફરો પર ફરી વળી હતી. આ ગંભીર દુર્ઘટનામાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

15થી વધુ ઈજાગ્રસ્ત
ટ્રક અકસ્માત બાદ 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની એલ.જી. હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાની જાણ થતા કણભા પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધી આ અંગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


