તાપીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની જુગલબંધી: માજી MLAની હોટલના ઉદઘાટનમાં જયરામ ગામીતે રિબિન કાપી

Tapi News: તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જામકી ગામે એક અનોખો રાજકીય વિવાદ સર્જાયો છે. નિઝર બેઠકના કોંગ્રેસના માજી ધારાસભ્ય સુનીલ ગામીતે નેશનલ હાઈવે નંબર 53 પર પોતાની નવી હોટલ શરૂ કરી છે. રવિવારે (26મી ઓક્ટોબર) યોજાયેલા આ હોટલના ઉદઘાટન સમારોહમાં વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સાથે ભાજપ સરકારના રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામીત પણ હાજર રહ્યા હતા. ખાસ વાત એ છે કે, ભાજપના મંત્રી જયરામ ગામીતે કોંગ્રેસના નેતાઓ સાથે રીબીન કાપતી અને અન્ય પ્રસંગોની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં ભાજપના સ્થાનિક કાર્યકરોમાં ચર્ચા અને વિવાદનો દોર શરૂ થયો છે.
ચૂંટણીમાં હતા સામ-સામે, હવે એક મંચ પર
ગત વિધાનસભા ચૂંટણીમાં સુનીલ ગામીત (કોંગ્રેસ) અને જયરામ ગામીત (ભાજપ) સામ-સામે ચૂંટણી લડ્યા હતા, જેમાં જયરામ ગામીતનો વિજય થયો હતો. તાજેતરમાં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ થતાં જયરામ ગામીતને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળ્યું છે. ત્યારે, મંત્રી જયરામ ગામીતની કોંગ્રેસના માજી ધારાસભ્ય અને હોટલ માલિક સુનીલ ગામીત, વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી અને સુમુલના ડિરેક્ટરો સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.
આ પણ વાંચો: ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપ ફરજિયાત પણ અસ્પષ્ટતા હોવાથી મૂંઝવણ
ભાજપ કાર્યકરોમાં ચર્ચાસ્પદ બન્યો મુદ્દો
હાલમાં જ મંત્રી બનેલા જયરામ ગામીતે વિરોધ પક્ષના નેતાઓ સાથે જાહેરમાં રીબીન કાપી હોવાના ફોટા પોસ્ટ કરતાં ભાજપના કાર્યકરોમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. કાર્યકરોમાં એવા સવાલો ઊઠી રહ્યા છે કે, જે નેતાઓ સામે ચૂંટણી લડીને અને જીતીને મંત્રી બન્યા, તેમની સાથે જાહેર મંચ શેર કરવો અને સોશિયલ મીડિયા પર તસવીરો મૂકવી કેટલી યોગ્ય છે. આ ઘટના તાપી જિલ્લાના રાજકારણમાં સત્તા અને વિપક્ષના નેતાઓ વચ્ચેના સંબંધોને લઈને એક નવી ચર્ચા છેડી છે.

