Get The App

અમદાવાદમાં હવે માત્ર એક ફોન કોલ પર તંત્ર ઘરે આવી લઈ જશે બાંધકામનો કચરો, હેલ્પલાઇન નંબર જાહેર

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં હવે માત્ર એક ફોન કોલ પર તંત્ર ઘરે આવી લઈ જશે બાંધકામનો કચરો, હેલ્પલાઇન નંબર જાહેર 1 - image

Ahmedabad to Go Debris-Free: અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવાના હેતુ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કન્સ્ટ્રક્શન ઍન્ડ ડિમોલિશન (C&D) વેસ્ટના સંચાલન માટે સુવ્યવસ્થિત અને સુવિધાસભર વ્યવસ્થા અમલમાં મૂકી છે. શહેરમાં રહેણાંક કે વ્યાવસાયિક એકમોમાં થતી રિપેરિંગ, રિનોવેશન, મરામત અથવા નવા બાંધકામ દરમિયાન ઊભો થતો માટી-પૂરણી તથા બિલ્ડિંગ ડેબ્રિજનો હવે યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવામાં આવશે. નાગરિકો માત્ર એક ફોન કોલ દ્વારા પોતાના વિસ્તારના ઝોન કંટ્રોલ રૂમનો સંપર્ક કરી કચરો ઉઠાવવાની સેવા મેળવી શકશે.

કેવી રીતે કામ કરશે આ વ્યવસ્થા?

નાગરિકો દ્વારા તેમના મકાનોનું રિપેરિંગ, રિનોવેશન, મરામત કે નવા બાંધકામ વગેરે કારણસર ઉત્પન્ન થતા માટી-પૂરણી, બિલ્ડીંગ ડેબ્રિજ વગેરે જાહેર માર્ગો/સ્થળ કે અન્ય કોઈપણ જગ્યાએ નિકાલ ન કરતાં શહેરના 07 ઝોનમાં નક્કી કરવામાં આવેલા કુલ 25 જેટલા પ્લોટ–લોકેશન–જગ્યાઓ પર નાગરિકો પોતાના સ્વખર્ચે નિકાલ કરી શકશે. જેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનનો સમાવેશ થાય છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં. 

આ પણ વાંચો: ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

ઝોન મુજબ સંપર્ક નંબર

AMCની સોલિડ વેસ્ટ ટીમ નજીવી ફી લઈને સીધી નાગરિકોના ઘરે પહોંચીને બિલ્ડિંગ મટીરિયલ અને કન્સ્ટ્રક્શન વેસ્ટ એકત્રિત કરીને યોગ્ય સ્થળે નિકાલ કરી શકે તેની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સેવા મેળવવા માટે નાગરિકોએ સવારે 08:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી પોતાના ઝોન મુજબના સંપર્ક નંબર પર સંપર્ક કરવો રહેશે. મધ્ય ઝોન 6357516301, ઉત્તર ઝોન 6357516302, દક્ષિણ ઝોન 6357516303, પૂર્વ ઝોન 6357516304, પશ્ચિમ ઝોન 6357516305, ઉત્તર-પશ્ચિમ ઝોન 6357516306 અને દક્ષિણ-પશ્ચિમ ઝોન 6357516307.

નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી

આ ઉપરાંત રહેણાંક અથવા ફરિયાદના સ્થળ પરથી નિર્ધારિત સમય મર્યાદામાં ડેબ્રિજ ઉપાડી ન લેવામાં આવે તો સંબંધિત વ્યક્તિ પાસેથી નિયત ચાર્જ અને પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. તેમજ જાહેર માર્ગ, ખુલ્લા પ્લોટ અથવા AMC દ્વારા નિર્ધારિત કર્યા સિવાયના સ્થળે C&D વેસ્ટ ખાલી કરવામાં આવશે તો વાહન જપ્ત કરવા સુધીના પગલાં લેવામાં આવશે. આ મિશનની અસરકારક અમલવારી માટે AMC દ્વારા સ્વચ્છતા સ્કવોડ રચવામાં આવ્યું છે, જે સાતેય ઝોનમાં સતત ચેકિંગ કરશે. ગેરકાયદે રીતે રોડ-રસ્તા અથવા જાહેર જગ્યાએ ડેબ્રિજ ફેંકતા જણાશે, તો જવાબદાર સામે કડક દંડની કાર્યવાહી કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોને અપીલ કરી છે કે, રોડ-રસ્તા પર બિલ્ડિંગ ડેબ્રિજ ન ફેંકે અને શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી બને. અમદાવાદને સી એન્ડ ડી વેસ્ટ મુક્ત બનાવવાના આ અભિયાનમાં સહયોગ આપી સ્વચ્છ અમદાવાદના સપનાને સાકાર કરવામાં નાગરિકોની ભાગીદારી અનિવાર્ય ગણાશે.