સેવન્થ ડે સ્કૂલમાં હુમલા બાદ પીડિત છોકરો પેટ પર હાથ મૂકી સ્કૂલમાં જતો CCTVમાં કેદ
Sevneth Day School Case CCTV Video: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટે ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાને 15 દિવસ થઈ ગયા છે. એવામાં હવે આ ઘટનાનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મૃતક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત સ્થિતિમાં શાળાના ઈજાગ્રસ્ત પેટના ભાગે હાથથી દબાવીને એન્ટ્રી ગેટથી શાળામાં અંદર આવતો જોઈ શકાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, નયન થોડીવારમાં ત્યાં ઢળી પડે છે પરંતુ, શાળાના સ્ટાફ કે સિક્યોરિટી દ્વારા કોઈ મદદ કરવામાં નથી આવી રહી. સિક્યોરિટી ગાર્ડ ઊભા-ઊભા ત્યાં બધું જુએ છે અને જાણે કંઈ થયું જ નથી તેવું વર્તન કરે છે. જોકે, બાદમાં વિદ્યાર્થીના માતા-પિતા ત્યાં પહોંચે છે અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે.
લોહીલુહાણ સ્થિતિમાં શાળામાં પ્રવેશ્યો
સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, બપોરે 12:53 કલાકે નયન પીળા રંગનું ટીશર્ટ અને વ્હાઇટ પેન્ટમાં શાળાના એન્ટ્રી ગેટમાંથી અંદર આવે છે. નયન સાથે ત્રણ-ચાર અન્ય છોકરાઓ પણ જોવા મળે છે. જોકે, શાળાની બહાર ઝઘડા દરમિયાન તેને બોક્સ કટર વાગ્યું હોવાથી તે પેટના ભાગે જ્યાં ઈજા થઈ છે અને લોહી નીકળી રહ્યું છે, ત્યાં હાથ દબાવીને આવે છે. આ દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓની અવર-જવર જોવા મળી રહી છે, ત્યાં સિક્યોરિટી ગાર્ડ પણ હાજર છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં બે વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરતાં શિક્ષક CCTVમાં કેદ, પોલીસે કરી ધરપકડ
સિક્યોરિટી ગાર્ડે પણ ન કરી મદદ
પહેલાં વિદ્યાર્થીઓ કંઈ સમજી નથી શકતા. જોકે, બાદમાં ઘટનાની જાણ થતાં ત્યાં હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓમાં દોડધામ મચી જાય છે. આ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ ત્યાં આવે છે અને ભીડને દૂર કરવાનો પ્રયાસ કરે છે. સીસીટીવીમાં વિદ્યાર્થીઓએ નયનને ઘેરી લીધો હોય તેવું દેખાય છે. આ દરમિયાન સ્ટાફ શાળામાં હાજર હોવા છતા કોઈ મદદ માટે નથી આવતું. સિક્યોરિટી ગાર્ડ પણ નયનની મદદ નથી કરતો અને ફક્ત વિદ્યાર્થીઓની ભીડ દૂર કરે છે.
વિદ્યાર્થીએ રિક્ષામાં બેસાડી હોસ્પિટલ ખસેડ્યો
ત્યાર બાદ બે મહિલાઓ દોડીને નયન પાસે આવે છે. પ્રાથમિક દ્રષ્ટિએ તે નયનના પરિજન હોવાનું જણાય છે. આ દરમિયાન એક વિદ્યાર્થી રિક્ષા લઈને આવે છે અને નયનને ઊંચકીને ગેટની બહાર લઈ જઈ એક રિક્ષામાં બેસાડી હોસ્પિટલ મોકલે છે. આ સીસીટીવીથી સ્પષ્ટ રૂપે શાળા અને સ્ટાફની બેદરકારી જણાઈ આવે છે. આટલું ટોળું ભેગું થઈ ગયું હોવા છતા શાળા કે સિક્યોરિટી દ્વારા કોઈ મદદ કરવામાં નથી આવી રહી.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર સબ જેલમાં 125ની ક્ષમતા સામે 273 કેદીનો ભરાવો
શું હતી ઘટના?
અમદાવાદમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.
આ ચકચારભર્યા કેસમાં ખોખરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા કિશોરને શુક્રવારે (22મી ઓગસ્ટ) પોલીસે ખાનપુર સ્થિત જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો. કિશોરને રજૂ કરતાં પહેલાં પણ પોલીસનું અભેદ સુરક્ષા કવચ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની ફરતે તહેનાત કરી દેવાયું હતું. પક્ષકારોને સાંભળ્યા બાદ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો.