અમદાવાદમાં બે વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરતાં શિક્ષક CCTVમાં કેદ, પોલીસે કરી ધરપકડ
Ahmedabad Police News : કૃષ્ણનગરમાં આવેલા ટયુશન કલાસમાં બે વિદ્યાર્થીઓને ટયુશન કલાસના શિક્ષકે માર માર્યો હતો. આ ઘટનાના વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને શિક્ષકની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ કરતા વિધાર્થીઓ શિક્ષકને ચિડાવતા હોવાથી માર માર્યો હોવાનું બહાર આવ્યું હતું.
શિક્ષકની ધરપકડ કરાઈ
નરોડામાં રહેતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં બાપુનગરમાં ઇન્ડિયા કોલોની પાસે રહેતા અને કૃષ્ણનગરમાં આવેલા વિનાયક એજ્યુકેશનમાં શિક્ષક તરીકે કામ કરતા શિક્ષક સામે મારઝૂડ કરાયાની ફરિયાદ કરી છે. ફરિયાદીના પિતાએ કહ્યું છે કે મારા સગીર વયના બે પુત્રો આ ટયુશન ક્લાસીસ ભણવા ગયા હતા.
ગઇકાલે બન્ને વિધાર્થીઓ નિત્યક્રમ મુજબ ક્લાસીસમાં ગયા હતા. આ દરમ્યાન ક્લાસીસના ટીચરે ફરિયાદીને ફોન કરીને જણાવ્યું હતું કે વેબ સોલ્યુશના શિક્ષક આશિષ અગ્રવાલે તમારા પુત્રોને માર માર્યો છે. જેથી ફરિયાદીએ શિક્ષકને ફોન પર વાત કરી હતી કે તમે કેમ મારા પુત્રોને માર માર્યો ત્યારે તેઓએ ઉશ્કેરાઇને અપમાનજનક શબ્દો બોલ્યા હતા. તેઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ ઘટના સ્થળે આવી હતી. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે શિક્ષક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરીને આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.