સુરેન્દ્રનગર સબ જેલમાં 125ની ક્ષમતા સામે 273 કેદીનો ભરાવો
જેલમાં ક્ષમતા કરતા બમણાથી વધુ કેદીને રાખતા મારામારીના બનાવો વધ્યા ઃ બિમારી ફેલાવાની પણ દહેશત
નવી જેલ માટે પાંચ વર્ષ પહેલા શહેરથી ૭ કિ.મી. દુર ૧૧ હેકટર જમીન ફાળવાઇ પરંતુ નબળી નેતાગીરીને લીધે કામગીરી ખોરંભે ચડી ઃ ચોમાસા દરમિયાન બેરેકમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કેદીઓને પારાવાર મુશ્કેલી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જીલ્લાના મુખ્ય મથક એવા સુરેન્દ્રનગર ખાતે આવેલ અંદાજે ૭૫ વર્ષ કરતા પણ વધુ જુની જેલમાં હાલ ક્ષમતા કરતા વધુ કેદીઓ સજા ભોગવતા હોવાથી કેદીઓની હાલત જેલમાં વધુ કફોડી બની છે. જે મામલે જેલ પ્રશાસન દ્વારા છેલ્લા ચાર-પાંચ વર્ષથી અન્ય વિશાળ જગ્યાએ જેલ બનાવવામાં આવે તેવી સરકાર સમક્ષ રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ખાતે આવેલ મુખ્ય સબ જેલ તા.૦૧-૦૪-૧૯૪૮ના રોજ ફાળવવામાં આવી હતી અને ત્યારબાદ જેલમાં કેદીઓને રાખવામાં આવી રહ્યાં છે આ સબ જેલમાં શરૃઆતમાં ઓછા કેદીઓ હોવાથી જેલની ક્ષમતા મુજબ તમામ કેદીઓ સરળતાથી જેલમાં રહી શકતા હતા પરંતુ દિન-પ્રતિદિન અને સમયાંતરે ગુન્હાઓ વધતા સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો અને છેલ્લા ઘણા વર્ષોથી જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ સજા ભોગવી રહ્યાં છે જેના કારણે કેદીઓની હાલત જેલમાં જ કફોડી બની હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર સબ જેલમાં પુરૃષ કેદીઓ માટે ૦૫ અને મહિલા કેદીઓ માટે ૦૨ બેરેક છે જેમાં હાલ તમામ કેદીઓને રાખવામાં આવી રહ્યા છે જ્યારે હાલ સબ જેલની ૧૨૫ કેદીઓની ક્ષમતા સામે જેલમાં ૨૫૮ પુરૃષ કેદીઓ અને ૧૫ મહિલા કેદીઓ મળી કુલ ૨૭૩ કેદીઓને રાખવામાં આવ્યા છે. આમ જેલની ક્ષમતા કરતા હાલ ડબલ ગણા કેદીઓ જેલમાં સજા ભોગવી રહ્યાં છે જેના કારણે કેદીઓને રહેવાથી લઈ ઉઠવા, બેસવા અને સુવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે સબ જેલ વર્ષો જુની હોવાથી તેમજ શહેરની મધ્યમાં આવેલ હોય આસપાસના રસ્તાઓના સ્તર ઉંચા આવી ગયા હોવાથી સબજેલમાં વર્ષોથી ચોમાસા દરમ્યાન બેરેકમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કેદીઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ અંગે અવાર-નવાર અગાઉ સ્થાનીક જેલર પ્રશાસન વિભાગ દ્વારા તંત્રને રજુઆતો પણ કરવામાં આવી હતી છતાં તેનો કોઈ હકારાત્મક ઉકેલ આવ્યો નથી.
જેલ પ્રશાસન દ્વારા તમામ જરૃરી ડોક્યુમેન્ટો અને દરખાસ્ત કરી હોવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.
સુરેન્દ્રનગર જેલ પ્રશાસન દ્વારા નવી જગ્યા ફાળવવા માટે જરૃરી લે-આઉટ પ્લાન, જમીનનો સેટેલાઈટ નકશો, ગ્રામ પંચાયત સમિતિનો ઠરાવ અને દરખાસ્ત સહિતના તમામ ડોક્યુમેન્ટો નિયમ મુજબ રજુ કર્યા હોવા છતાં હજુ સુધી સરકાર દ્વારા જેલને નવી જગ્યા માટે મંજુરી આપવામાં આવી નથી.
જેલમાં દરેક બેરેકમાં અંદાજે ૩૦ થી વધુ કેદીઓને રાખવા પડતા મુશ્કેલી.
સુરેન્દ્રનગર સબ જેલમાં પુરૃષ કેદીઓ માટે કુલ ૦૫ બેરેકો આવેલ છે જેમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ રાખવાનો વારો આવ્યો છે અને દરેક બેરેકમાં હાલ અંદાજે ૩૦થી વધુ કેદીઓને ન છુટકે રાખવા પડતા કેદીઓની હાલત એક બેરેકમાં વધુ કફોડી બની છે અને નવી જગ્યાએ જેલ બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
વર્ષ ૨૦૨૦માં તત્કાલીન કલેકટર દ્વારા રતનપર બાયપાસ રોડ પર જગ્યા ફાળવી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના તત્કાલીન કલેકટર કે.રાજેશ દ્વારા રતનપર બાયપાસ રોડ પર જેલ માટે ૨૦૨૦માં ફાળવી હતી પરંતુ આ જગ્યા પૈકી અમુક ભાગ વર્ષ ૨૦૧૧ના તત્કાલીન કલેકટર દ્વારા સરકારી કર્મચારીના રહેણાંક મકાન માટે અનામત રાખવાનું જણાવી અગાઉ કરેલ ઓર્ડરને રદ્દ કરી નાંખવામાં આવ્યો હતો અને બાકી રહેલ જગ્યા જેલ બનાવવા પુરતી ન હોવાનું જણાવી દીધું હતું.
વર્ષ ૨૦૨૨માં તત્કાલીન કલેકટર દ્વારા નવી જગ્યા ફાળવ્યા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી.
વર્ષ ૨૦૨૨માં તત્કાલીન કલેકટર કે.સી.સંપટ દ્વારા વઢવાણ તાલુકાના બાકરથળી ગામની સીમમાં અંદાજે ૧૧ હેકટર જગ્યાની જેલ માટે ફાળવણી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પણ લે-આઉટ પ્લાન, સેટેલાઈટ નકશો, ગૌચરની જમીન, દરખાસ્ત સહિતની બાબતોની પુર્તતા કરવાનું જણાવતા આ તમામ પુર્તતા પુર્ણ કરી નાંખી હોવા છતાં હજુ સુધી નવી જેલ બનાવવા જમીનની ફાળવણી કરવામાં નથી આવી રહી.