Get The App

હવે કન્ફર્મ ટિકિટ વગર મુંબઈ અને ગુજરાતના 12 સ્ટેશને 'નો-એન્ટ્રી'? રેલવે બોર્ડને દરખાસ્ત મોકલાઈ

મુંબઈનાં બોરીવલી, અંઘેરી, બાંદરા, ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત સહિતનાં સ્ટેશનો સામેલ

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
હવે કન્ફર્મ ટિકિટ વગર મુંબઈ અને ગુજરાતના 12 સ્ટેશને 'નો-એન્ટ્રી'?  રેલવે બોર્ડને દરખાસ્ત મોકલાઈ 1 - image


Western Railway News | રેલવે સ્ટેશનોએ હાલ કોઈપણ વ્યક્તિ સરળતાથી દાખલ થઈ શકે છે. તેને બદલે હવે મહત્ત્વના રેલવે સ્ટેશનો પર પણ મેટ્રો જેવી એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ અસ્તિત્વમાં આવશે. મતલબ કે પ્રવાસીની ટિકિટ સ્કેન થયા બાદ જ તેને રેલવે સ્ટેશનમાં એન્ટ્રી મળશે. મુંબઈ અને ગુજરાતનાં 12 મહત્ત્વના સ્ટેશનોએ આવી સિસ્ટમ લાગુ કરવા માટે વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે બોર્ડને દરખાસ્ત મોકલાઈ છે.

મુંબઈના કયા સ્ટેશનો સામેલ?  

યાદીમાં સામેલ મુંબઈના સ્ટેશનોમાં બોરીવલી, અંધેરી અને બાંદરા ટર્મિનસનો સમાવેશ થાય છે. આમાંથી બોરીવલી અને બાંદરા ટર્મિનસથી ગુજરાત આવતી જતી ટ્રેનો થોભે છે. બીજી તરફ અંધેરી મુંબઈનું વેસ્ટર્ન લાઇનનું લોકલ ટ્રેનોનું મહત્ત્વનું મથક છે. અહીંથી જ મેટ્રો સેવાઓ સાથે ઇન્ટરચેન્જ પણ સામેલ છે. 

ગુજરાતના કયા સ્ટેશનો સામેલ? 

ગુજરાતના અમદાવાદના કાલુપુર સ્ટેશન ઉપરાંત અસારવા તથા સાબરમતી સ્ટેશનો તેમજ વડોદરા, સુરત, વાપી, ઉધના સહિતના સ્ટેશનો પણ આ યાદીમાં સામેલ છે. મઘ્યપ્રદેશના ઉજ્જૈન સ્ટેશને પણ આ સિસ્ટમ લાગુ પાડવા સૂચવાયું છે. હાલ રેલવે દ્વારા દેશભરના અનેક સ્ટેશનોના રિડમોડેલિંગ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. રેલવે સ્ટેશનો પર હાલ કોઈપણ વ્યક્તિ સરળતાથી પહોંચી શકે તેવી પ્રથા નાબૂદ કરી એક્સેસ કન્ટ્રોલનો નિર્ણય લેવાયો છે. ઉધના જેવાં સ્ટેશનોએ અગાઉ ભારે ભીડના કારણે ભાગદોડના બનાવો બન્યા હોવાથી ત્યાં પણ કન્ફર્મ ટિકિટ ધરાવતાં પ્રવાસીઓને જ એન્ટ્રીનું વિચારાયું છે. 

એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબત હજી પ્રારંભિક તબક્કે છે. ફક્ત નામોની યાદી રેલવે બોર્ડને મોકલાઈ છે. જો તેને મંજૂરી મળી તો સંબંધિત સ્ટેશનોએ ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતાં કેટલાક ફેરફાર થશે. આ સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટસ સુનિશ્ચિત કરી ત્યાં સ્કેનર્સ બેસાડવામાં આવશે. પ્રવાસીઓ પોતાની ટિકિટ સ્કેન કરાવ્યા બાદ જ સ્ટેશનની અંદર પ્રવેશી શકશે. તેના કારણે પ્લેટફોર્મ પરની ભીડ નિવારી શકાશે. આ ઉપરાંત રેલવે સ્ટેશનોએ સલામતી અને ચોખ્ખાઈની જાળવણીમાં પણ મદદ મળશે. 

હાલ સંખ્યાબંધ રેલવે સ્ટેશનોએ ભાગદોડના બનાવો બને ત્યારે રેલવે કેટલાક દિવસો માટે મોટાં સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટસનું વેચાણ અટકાવી દે છે. જોકે, ભવિષ્યમાં મોટા સ્ટેશનો પર કન્ફર્મ ટિકિટ હોય તેમને જ સ્ટેશનમાં એન્ટ્રીની સિસ્ટમ આવી ગયા બાદ આવા કામચલાઉ પ્રતિબંધો લાદવાની જરુર પણ નહીં રહે.

Tags :