કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે
Kargil Vijay Diwas 2025 : 26મી જુલાઈ કારગિલ વિજય દિવસ ભારતના ઇતિહાસનો એક ગૌરવશાળી દિવસ છે. આ દિવસે 1999ના કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ યુદ્ધમાં સેંકડો ભારતીય સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. જેમાં ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના વીર સપૂત, શહીદ ભલાભાઈ અખમભાઈ બારીયા પણ સામેલ હતા.
દેશદાઝ અને બલિદાનની ગાથા
શહીદ ભલાભાઈ બારીયાનો જન્મ પંચમહાલના ખટકપુર ગામમાં પિતા અખમભાઈ અને માતા ઝીણીબહેનના ઘરે થયો હતો. તેમણે ગામની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ નાંદરવા ગામની હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું. બાળપણથી જ તેમનામાં દેશભક્તિની પ્રબળ ભાવના હતી, જેના કારણે તેમણે ભારતીય સેનામાં જોડાઈ દેશસેવા કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. તમામ કસોટીઓ પાર કરી, તેમણે '12 મહાર રેજિમેન્ટ'માં જોડાયા.
વર્ષ 1999માં જ્યારે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કારગિલ વિસ્તાર પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો અને યુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે ભલાભાઈ પણ આ મહાયુદ્ધનો હિસ્સો બન્યા. કારગિલમાં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે સામસામે ગોળીબાર અને મોર્ટારનો મારો ચાલુ હતો. દુશ્મનોને માત આપવા ભલાભાઈ અડીખમ અને અડગ રહ્યા. તેઓ દુશ્મનોના બંકરો પર ગોળીબાર કરીને જડબાતોડ જવાબ આપી રહ્યા હતા, ત્યારે દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વીંધી ગઈ. દેશ માટે લડતાં લડતાં તેઓ વીરગતિ પામ્યા. શહીદી બાદ ભલાભાઈના પાર્થિવદેહને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમના માદરેવતન ખટકપુર ગામે લાવીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
પરિવાર અને ગામનું ગૌરવ
આજે પણ ખટકપુર ગામમાં રહેતો તેમનો પરિવાર શહીદ ભલાભાઈને યાદ કરે છે. તેમના નાના ભાઈ બળવંતભાઈ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. જ્યારે તેમના માતા-પિતા અવસાન પામ્યા છે. તેમનો એક ભાઈ ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે. શહીદ ભલાભાઈના પત્ની કોકિલાબહેન હાલ તેમના પિયરમાં રહે છે.
શહીદ ભલાભાઈના બલિદાનને સન્માનિત કરવા માટે ખટકપુર ગામમાં આવેલી સરકારી શાળાને "બી.એ. બારીયા પ્રાથમિક શાળા" નામ આપવામાં આવ્યું છે. શાળાના કમ્પાઉન્ડમાં આવેલી તેમની ખાંભી પર અંકિત "જબ તક સુરજ ચાંદ રહેગા ભલાભાઈ તેરા નામ રહેગા" પંક્તિઓ તેમના અમર બલિદાનની યાદ અપાવે છે. સૂર્યોદય માજી સૈનિક મહામંડળ રાજકોટ તરફથી પણ તેમના પરિવારને પ્રમાણપત્ર મળ્યું હોવાનું જાણવા મળે છે.
શહીદ ભલાભાઈ બારીયાનું બલિદાન એ વાતનો પુરાવો છે કે આપણા સૈનિકો દેશની રક્ષા માટે કેવા અતુલ્ય સાહસ અને સમર્પણ દર્શાવે છે. કારગિલ વિજય દિવસ પર, આવા વીર જવાનોના બલિદાનને યાદ કરીએ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.