Gujarat

ગોલ્ડમાં રોકાણ કરવાનું કહીને જ્વેલર્સ સાથે ૯૬ લાખ રૂપિયાની છેતરપિંડી

By GS TEAM
12 Mar 20262 mins read
ગોલ્ડમાં રોકાણ કરવાનું કહીને જ્વેલર્સ સાથે ૯૬ લાખ રૂપિયાની છેતરપિંડી

અમદાવાદ, ગુરૂવાર

સેેટેલાઇટમાં ઇસરો કેમ્પસ પાસે આવેલા વર્ધમાન હીલ્સમાં રહેતા ગઠિયાએ તેના સાગરિત સાથે મળીને રોકાણ કરવાના નામે જ્વેલર્સને વિશ્વાસમાં લઇને તેમની પાસેથી ૯૬ લાખની કિંમતનો સોનાના સિક્કો મંગાવીને નાણાં નહી આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. પાર્થ દલવાડી નામના ગઠિયાએ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી   અમદાવાદ ઉપરાંત  અન્ય શહેરોમાં સોનાના દાગીનાનો વ્યવસાય કરતા વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનું સોનુ લઇને મોટાપ્રમાણમાં ઠગાઇ આચરી હતી.

ઇસનપુરમાં આવેલા આલોક બંગ્લોઝમાં રહેતા અમિતભાઇ સોની માણેકચોકમાં સોના-ચાંદીના દાગીનાનો વ્યવસાય કરે છે.  થોડા મહિના પહેલા તેમને તેમના પરિચિત વેપારી રાકેશ સોની (રહે. સુરભી ટેનામેન્ટ, ઇસનપુર)એ જણાવ્યુ હતું કે સેટેલાઇટ ઇસરો કેમ્પસની બાજુમાં આવેલા વર્ધમાન હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થ દલવાડી સરકારમાં ટેન્ડર ભરીને મોટા પ્રોજેક્ટનું કામ કરે છે.હાલ તેમને ગોલ્ડમાં રોકાણ કરવાની ઇચ્છા છે. જેથી મળવાનું કહીને રાકેશ સોની અમિતભાઇને પાર્થના ઘરે લઇ ગયો હતો અને રોકાણ સંબધિત ચર્ચા કરી હતી.

બીજા દિવસે તેણે સોનાનો ભાવ જાણીને રૂપિયા ૯૬ લાખની કિંમતનું ૭૫૦ ગ્રામ  સોનું બુક કરાવ્યું હતું અને  સાંજે ઘરે આપી જવા માટે કહ્યું હતું. જેથી અમિતભાઇ સોનું લઇને ગયા હતા અને નાણાં રતનપોળ સ્થિત આંગડિયા પેઢીથી નાણાં લેવા માટે કહ્યું હતું. પરંતુ, ત્યારબાદ નાણાં નહી ચુકવીને ફોન સ્વીચ ઓફ કરીને ઘર છોડીને નાસી ગયો હતો. પાર્થ દલવાડીએ ગોલ્ડમાં રોકાણના નામે અનેક જ્વેલર્સ પાસેથી કરોડો રૂપિયાની કિંમતનું સોનું પડાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જે અંગે સેટેલાઇટ પોલીસે તપાસ શરૂ કરી છે.