અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળવાનું લગભગ નક્કી, આ તારીખે વાગશે મહોર

Commonwealth Games 2030 : અમદાવાદ માટે ગૌરવશાળી અને ઐતિહાસિક વિગતો સામે આવી છે. કોમનવેલ્થ ગેમ્સના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતના અમદાવાદ શહેરની ભલામણ કરાઈ છે. હવે આ પ્રસ્તાવને કોમનવેલ્થ ગેમ્સ સભ્યપદ સમક્ષ રજૂ કરાશે. ત્યારબાદ ગ્લાસકોમાં 26 નવેમ્બર-2025માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની મહાસભામાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
તો ભારત બીજી વાર કરશે યજમાની
જો અમદાવાદને યજમાની મળશે, તો ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ મેળવશે. આ પહેલા ભારતે 2010માં નવી દિલ્હીમાં ગેમ્સનું સફળ આયોજન થયું હતું.
શા માટે અમદાવાદની પસંદગી?
કોમનવેલ્થ ગેમ્સની એક્ઝીક્યુટિવ બોર્ડ દ્વારા અમદાવાદને યજમાની આપવાની ભલામણ માટેના અનેક કારણો આપ્યા છે. સમિતિએ વિવિધ માપદંડોના આધારે ઉમેદવાર શહેરોનું મૂલ્યાંકન કર્યું છે. આ મૂલ્યાંકનમાં ટેકનિકલ વ્યવસ્થા, ખેલાડીઓનો અનુભવ, માળખાગત સુવિધાઓ, તંત્ર અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચેના સંબંધોના આધારે આ નિર્ણય લેવાયો છે.
નાઇજીરીયાની રાજધાની પણ રેસમાં
જોકે યજમાનીની રેસમાં હજુ એક દેશ સામેલ છે. કોમનવેલ્થ ગેમ્સ નાઇજીરીયાની રાજધાની અબુજામાં યોજવાનો પ્રસ્તાવ પણ સામે આવ્યા છે. અમદાવાદ અને અબુજા બંનેએ પ્રભાવશાળી પ્રસ્તાવો રજૂ કર્યા છે. જોકે બોર્ડે અમદાવાદની દરખાસ્તને પ્રાથમિકતા આપી છે.