બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને 2 વર્ષની જેલની સજા, જામનગરની કોર્ટનો ચુકાદો, જાણો શું છે કેસ

Jamnagar News : જામનગરનાં શિપિંગ ઉદ્યોગપતિ પાસેથી ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીએ રૂપિયા એક કરોડની રકમ ઉછીની લીધી હતી. આ રકમની ચુકવણી માટે સંતોષીએ આપેલો ચેક રિટર્ન થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આ મામલે જામનગર કોર્ટે ફટકારેલી ફિલ્મ ડાયરેક્ટરને બે વર્ષની સજા સેશન્સ કોર્ટે યથાવત રાખી છે.
રાજકુમાર સંતોષીની બે વર્ષની સજા યથાવત
બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને સેશન્સ કોર્ટે ચેક રિટર્ન કેસ મામલે 10 લાખના ચેકથી બમણો દંડ અને બે વર્ષની જેલની સજા ફટકારી છે. જ્યારે આરોપી સંતોષીને આગામી 27 ઓક્ટોબર, 2025 સુધીમાં કોર્ટમાં હાજર થવા પણ આદેશ આપ્યો છે. આમ જો આરોપી હાજર ન થાય તો ધરપકડ કરવા કોર્ટે આદેશ કર્યો છે.
આ પણ વાંચો: નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરુ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર
શું છે સમગ્ર મામલો?
જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ એચ. લાલે ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને રૂ. એક કરોડ ઉધાર આપ્યા હતા. આ દરમિયાન રાજકુમાર સંતોષીએ ઉદ્યોગપતિ અશોકભાઈને રૂ. 10 લાખના દસ ચેક આપ્યા હતા, જે તમામ રિટર્ન થતાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ સંતોષી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ મુદ્દે સંતોષીને નોટિસ પણ ફટકારાઈ હતી. આમ છતાં તેમણે રકમ નહીં ચૂકવતા અશોકભાઈએ જામનગર કોર્ટમાં વર્ષ 2017માં ફરિયાદ નોંધાવી હતી.