ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ: ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગર બોલાવાયા, જાણો ક્યારે યોજાઈ શકે છે શપથવિધિ

Gandhinagar News: ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી 17 ઓક્ટોબરે બપોરે 12:39 વાગ્યે વિજય મુહૂર્તમાં શપથવિધિ યોજાઈ શકે છે. આ મોટા ફેરફારના સંકેતો વચ્ચે રાજધાની ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.
ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગર પહોંચવાના આદેશ
સંભવિત વિસ્તરણના પગલે ભાજપ દંડક કાર્યાલય દ્વારા તમામ ધારાસભ્યોને તાત્કાલિક બે દિવસમાં ગાંધીનગર આવી જવાની સૂચના આપી દેવામાં આવી છે. દિવાળીના તહેવાર નિમિત્તે વિસ્તારમાં ગયેલા મોટાભાગના ધારાસભ્યો હવે ગાંધીનગર તરફ રવાના થઈ રહ્યા છે.
કેબિનેટ બેઠક રદ?, મુખ્યમંત્રી આવતીકાલે મુંબઈના પ્રવાસે
મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે આજે બુધવારે યોજાનારી કેબિનેટની બેઠક પણ નથી મળી અને તેને રદ કરવામાં આવી હોવાની ચર્ચા છે. હવે નવા મંત્રીમંડળની રચના બાદ જ કેબિનેટની બેઠક મળશે. રાજકીય ગરમાવા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મુંબઈના પ્રવાસે જઈ રહ્યા છે. હાલ ધારાસભ્યો સાથે કોઈ અધિકૃત સંવાદ કરવામાં આવ્યો નથી.
રાજ્યપાલ પ્રવાસ ટૂંકાવી પરત ફર્યા
બીજી તરફ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને આજે (15 ઓક્ટોબર) રાત્રે જ ગાંધીનગર પરત ફરી રહ્યા છે, જે સૂચવે છે કે શપથવિધિની તારીખ હવે નજીક છે.
કોની વિદાય, કોની એન્ટ્રી? 10 મંત્રીઓની હકાલપટ્ટીના સંકેતો
સૂત્રોના મતે, નવા મંત્રીમંડળમાં અંદાજે 20 થી 22 સભ્યોને સ્થાન મળી શકે છે. જેમાંથી દસેક જેટલાં વર્તમાન મંત્રીઓની હકાલપટ્ટી થવાના સંકેતો મળી રહ્યા છે, જ્યારે પાંચેક મંત્રીઓ યથાવત્ રહેશે, પરંતુ તેમના ખાતા બદલાઈ શકે છે. જે મંત્રીઓને પડતા મૂકવામાં આવશે, તેમના આવતીકાલે રાજીનામા લઈ લેવાય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. રાજીનામાની પ્રક્રિયા પહેલાં કેન્દ્રીય સંગઠનના આગેવાન ગુજરાત આવશે.
આ પણ વાંચો: નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરુ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને રત્નાકરે દિલ્હીમાં રોકાણ કર્યું હતું. આ અહેવાલો વચ્ચે મુખ્યમંત્રીનો કૃષિ મહોત્સવનો કાર્યક્રમ પણ રદ કરાયો હતો.