'અમદાવાદ પ્લેન ક્રેશનું ઠીકરું પાયલટ પર ફોડાયું...', મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યા
Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂનના રોજ અમદાવાદ-લંડન પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ બે દિવસ પહેલાં જ જાહેર કરવામાં આવ્યો છે. જો કે, આ રિપોર્ટથી પીડિતોના પરિવારજનો ખુશ નથી. તેઓ પ્રાથમિક રિપોર્ટ દોષનો ટોપલો પાયલટ પર ઢોળાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો છે કે, આ રિપોર્ટની મદદથી ટાટાની માલિકીની એર ઇન્ડિયા, બોઇંગ અને ભારત સરકારને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
પીડિતના પરિવારે રિપોર્ટને ખોટો કહ્યો
આ પ્લેન ક્રેશમાં પોતાના ત્રણ પરિજનોને ગુમાવનારા અમીન સિદ્દિકીએ જણાવ્યું કે, આ રિપોર્ટ ખોટો છે, અમે તેનો સ્વીકાર કરીશું નહીં. તેઓ આ દુર્ઘટનામાં મોતને ભેટેલા પાયલટ્સ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. અમે સરકાર તરફથી આપવામાં આવેલું વળતર સ્વીકાર્યું નથી. અમે એરલાઇન્સ કંપની વિરુદ્ધ કોર્ટમાં જઈશું.
અમને ખબર હતી કે મોટા માથા બચી જશે...
વધુ એક પીડિતના સંબંધી તુષાર જોગેએ જણાવ્યું કે, આ રિપોર્ટ એર ઇન્ડિયા અને બોઇંગ માટે કવરઅપ છે. અમને પહેલાંથી જ અંદાજ હતો કે, તેઓ પાયલટની ભૂલ બતાવશે. તેઓ મિકેનિકલ ફોલ્ટ કેમ જોઈ રહ્યા નથી. ઇન્ડિયન એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોમાં કેટલા લોકો ક્વોલિફાઈડ છે ? FAA (અમેરિકન રેગ્યુલેટર)એ 2018માં ફ્યુલ કંટ્રોલ સ્વિચ મુદ્દે એડવાઇઝરી રજૂ કરી હતી. તેઓએ આ એડવાઇઝરીને કેમ મહત્ત્વ ન આપ્યું.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા જાણો 10 જ પોઈન્ટમાં A to Z
અમે પરિવાર ગુમાવ્યો, તેઓએ બચવાનો માર્ગ શોધ્યો
લંડનમાં રહેતા પોતાના ભાઈ, તેની પત્ની અને બે બાળકોને ગુમાવનારા ઈમ્તિયાઝ અલી સૈયદે આ રિપોર્ટ અંગે કહ્યું કે, એર ઇન્ડિયા, બોઇંગ અને સરકારને બચાવવાનો રસ્તો શોધાઈ રહ્યો છે. પરંતુ અમે તો અમારો આખો પરિવાર ગુમાવ્યો છે. અમે સત્ય જાણવા માગીએ છીએ. ક્રેશમાં માર્યા ગયેલા ફેઝાન રફીકના ભાઈ સમીર રફીકે કહ્યું કે, એરલાઇન્સ કંપનીને કોકપિટ રેકોર્ડિંગ સોંપી દેવું જોઈએ.
260 લોકોએ જીવ ગુમાવ્યા
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બપોરે 1.38 વાગ્યે અમદાવાદથી લંડન જવા એર ઇન્ડિયાની ફ્લાઇટે ઉડાન ભરી હતી. પરંતુ ઉડાનની બે મિનિટમાં જ એક બિલ્ડિંગ સાથે અથડાઈ ક્રેશ થઈ હતી. જેમાં સવાર 241 પેસેન્જર અને ક્રૂ સભ્ય મૃત્યુ પામ્યા હતા. જ્યારે બિલ્ડિંગ અને આસપાસના 19 લોકો પણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ફ્યુલ સ્વિચની મૂવમેન્ટ પર સવાલ ઊભા થયા છે, પરંતુ આ કોઈ માનવીય ભૂલ હતી, ટેક્નિકલ ખામી હતી કે જાણી જોઈને કંઈ કરાયું હતું તે હજુ સુધી સ્પષ્ટ નથી.