અમદાવાદ પ્લેન ક્રેશ: 169 ભારતીય, 53 બ્રિટિશ મુસાફરો હતા, જાણો અત્યાર સુધીની તમામ મોટી અપડેટ્સ
Ahmedabad Plane Crash : અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર 12 જાન્યુઆરીએ એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ટેક ઑફ કરતી વખતે ક્રેશ થયું હતું. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 200 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
PM મોદીએ ગૃહમંત્રી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને મુખ્યમંત્રી સાથે કરી વાત
ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ (Civil Aviation Minister Ram Mohan Naidu) સાથે વાત કરી છે. તેમણે તેમને અમદાવાદ જવા અને શક્ય તમામ સહાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) સાથે વાતચીત કરી છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે. આ ઉપરાંત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) અમદાવાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.
અમદાવાદ ઍરપોર્ટ બંધ કરાયું, તમામ ફ્લાઇટ્સ સસ્પેન્ડ
મોટી દુર્ઘટનાના કારણે અમદાવાદ ઍરપોર્ટ પર અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવ્યું છે. તમામ ફ્લાઇટ્સ આગામી નિર્દેશ ન આવે ત્યાં સુધી સ્થગિત કરાઈ હતી. ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવાયો છે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના CM સાથે ટેલિફોનિક વાતચીત કરી સમીક્ષા કરી છે. ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 12 જૂન, 2025ના રોજ એર ઇન્ડિયાનું વિમાન (AI-171) 1.38 વાગ્યે ટૅક ઑફ થયું હતું. જે બે મિનિટમાં જ 1.40 વાગ્યે પહેલાં વૃક્ષ અને પછી સિવિલ સ્ટાફ ક્વાર્ટર્સ અતુલ્યમ બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયુ હતું. આ ટૅક ઑફ થતાં જ પાયલોટ સુમિત સભરવાલે એટીસીને MAYDAY કૉલ આપ્યો હતો. પરંતુ એટીસી તરફથી કોઈ સિગ્નલ મળ્યું ન હતું અને ધડાકાભેર પ્લેન ક્રેશ થયું હતું. બિલ્ડિંગના પાયાના ભાગને મોટું નુકસાન થતાં બિલ્ડિંગ ધરાશાયી થવાની અણી પર છે.
આ પણ વાંચો : અમદાવાદમાં એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન ક્રેશ: 242 લોકો હતા સવાર, જુઓ મુસાફરોની યાદી
હોસ્ટેલ પર વિમાન અથડાતાં ભયાવહ દૃશ્યો સર્જાયા
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.
15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટર ઈજાગ્રસ્ત
આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાક ઇમારત સિવિલ હૉસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઇમારત આગમાં લપેટાઈ જતાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રેશ કેવી રીતે થયું, પ્રાથમિક કારણ આવ્યું સામે, જુઓ VIDEO
રાહત કામગીરી વચ્ચે લૂંટની ઘટના
એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.
વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ ઍરપોર્ટ ઑથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
ઈમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઇલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ : ‘Mayday Call...’ પ્લેન ક્રેશ થતા પહેલા પાયલોટે આપ્યું હતું સિગ્નલ