Ahmedabad Plane Crash : અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે જામનગરના એક બક્ષી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ગોઝારી ઘટનામાં જામનગરથી આજે પરોઢિયે જ લંડન પરત ફરવા રવાના થયેલા એક દંપતીએ જીવ ગુમાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ દંપતીના એકમાત્ર પુત્રનું પણ ત્રણ વર્ષ પહેલાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું.
પુત્ર બાદ માતા-પિતા પણ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા?
જામનગરમાં રહેતા હરિહરભાઈ બક્ષી બીમાર હોવાથી તેમના લંડનમાં રહેતા પુત્રી નેહલબહેન અને જમાઈ શૈલેષભાઈ પરમાર જામનગર આવ્યા હતા. આજે પરોઢિયે જ તેઓ જામનગરથી અમદાવાદ જવા રવાના થયા હતા, જ્યાંથી તેમણે બપોરે દોઢ વાગ્યે લંડન માટેની હવાઈ મુસાફરી શરૂ કરી હતી. કમનસીબે, ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં આ વિમાન ક્રેશ થયું, જેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે.
આ ઘટનાથી બક્ષી પરિવાર પર જાણે આભ ફાટ્યું છે, કારણ કે શૈલેષભાઈ અને નેહલબહેનને સંતાનમાં એકમાત્ર પુત્ર હિત હતો. હિત લંડનમાં વિમાન ઉડાડવાની તાલીમ લેતો હતો અને તેની તાલીમના આખરી તબક્કામાં, છેલ્લી કલાકની ઉડાન બાકી હતી ત્યારે, આશરે ત્રણ વર્ષ પહેલાં સ્પેનમાં તેનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 26 વર્ષીય હિતનું મૃત્યુ થયું હતું.

હિતના 26 વર્ષની ઉંમરે વિમાન ક્રેશ થતાં મૃત્યુ થયું, અને આજે ફરી વિમાન દુર્ઘટના થતાં તેમાં હિતના માતા-પિતા પણ મુસાફરી કરી રહ્યા હતા. આ સમાચાર મળતાં જ નેહલબહેનના પિતરાઈ ભાઈઓ, જામનગરના જાણીતા તબીબ ડૉ. કેયુર બક્ષી ઉપરાંત આશિષભાઈ બક્ષી તાત્કાલિક અમદાવાદ જવા રવાના થયા હતા. આ કરુણ ઘટનાથી જામનગરના બક્ષી પરિવાર અને સમગ્ર પંથકમાં શોકની ગમગીની છવાઈ ગઈ છે.


